સત્ય. સાહસ. સંકલ્પ.

વિનોદ કાંબલીનો વૃદ્ધાશ્રમનો વીડિયો વાઇરલ: 'અહીં ઘર જેવો પ્રેમ મળે છે'

વિનોદ કાંબલીનો વૃદ્ધાશ્રમનો વીડિયો વાઇરલ: 'અહીં ઘર જેવો પ્રેમ મળે છે'

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર વિનોદ કાંબલી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. ભૂતપૂર્વ ક્રિકેટરની આ સ્થિતિ જોઈને ઘણા લોકોને આઘાત લાગ્યો છે અને ચાહકો તેમના સ્વાસ્થ્ય અને વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છે. જોકે, વાઇરલ વીડિયોમાં કાંબલી પોતે આશ્રમની સુવિધાઓ અને ત્યાંના વાતાવરણની પ્રશંસા કરતા જોવા મળે છે.

વીડિયોમાં વિનોદ કાંબલીએ કહ્યું, 'હું આ સમયે નિદાનમાં છું. હું કહેવા માગીશ કે અહીંની સુવિધાઓ ખૂબ જ સારી છે.' તેમણે વધુમાં જણાવ્યું, 'અહીંની સફાઈ અને બાકીની બધી વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું નથી લાગતું કે હું મારા ઘરે નથી. અહીંના લોકો તરફથી મને ખૂબ પ્રેમ અને સન્માન મળી રહ્યું છે.'

કાંબલી છેલ્લા કેટલાક સમયથી બીમારી, આર્થિક તંગી અને અંગત જીવનની સમસ્યાઓને કારણે સમાચારમાં રહ્યા છે. આ પહેલા પણ તેમના એવા વીડિયો વાઇરલ થયા હતા જેમાં તેઓ કોઈના સહારા વગર ચાલી પણ શકતા નહોતા, જે જોઈને ચાહકો દુઃખી થયા હતા.

વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ તેમની હાલત પર દુઃખ વ્યક્ત કર્યું છે, તો કેટલાક તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે સલાહ આપી, 'કાંબલીજીએ પોતાના સ્વાસ્થ્યમાં શક્ય તેટલી વહેલી તકે સુધારો કરીને ક્રિકેટ કોમેન્ટ્રી તરફ વળવું જોઈએ.'

વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી છે. તેમણે સચિન તેંડુલકર સાથે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બંને બાળપણના મિત્રો છે અને મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં એકસાથે રમ્યા હતા. તેંડુલકર અને કાંબલીએ શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા 664 રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં કાંબલીએ નોટઆઉટ 349 રન બનાવ્યા હતા. તેંડુલકરે 1988માં રણજીમાં ડેબ્યૂ કર્યું, જ્યારે કાંબલીને આ તક 1989માં મળી.

કાંબલીની અંગત જિંદગી પણ સાદી રહી નથી. તેમણે પ્રથમ લગ્ન નોએલા નામની ક્રિશ્ચિયન છોકરી સાથે કર્યા હતા, પરંતુ તે ટકી નહીં. ત્યારબાદ ફેશન મોડેલ એન્ડ્રિયા હેવિટ સાથે લગ્ન કર્યા અને અત્યાર સુધી સાથે છે. જૂન 2010માં એન્ડ્રિયાએ પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોને જન્મ આપ્યો.

13 માર્ચ 1996ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમાઈ હતી. શ્રીલંકાએ 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 98 રન પર એક વિકેટ ગુમાવીને સારી સ્થિતિમાં હતી, પરંતુ સચિન આઉટ થયા પછી બેટિંગ લાઇન-અપ ખોરવાઈ ગયું. ટીમ ઈન્ડિયાએ 120 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી. 35મી ઓવર બાકી હતી અને જીતવા માટે 156 બોલમાં 132 રનની જરૂર હતી. કાંબલી 10 રન બનાવીને ક્રિઝ પર હાજર હતા. તે દરમિયાન પ્રેક્ષકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું અને સ્ટેડિયમના એક ભાગમાં આગ લગાડી. હોબાળાના કારણે મેચ રોકવામાં આવી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું. મેચ રદ થયા પછી ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરતી વખતે કાંબલી રડવા લાગ્યા હતા.