મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ વિમલ ઈલાયચીની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારો શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ મોકલી હતી. FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા મુજબ ત્રણેય કલાકારોએ નોટિસનો જવાબ આપી દીધો છે અને હવે સુનાવણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
તુકારામ મુંઢેએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને જાહેરાત કરનારા તમામ સેલિબ્રિટીઝને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ભ્રામક અથવા સરોગેટ જાહેરાત બદલ માત્ર કંપની સામે જ નહીં, પરંતુ પ્રચાર કરનારા ઈન્ફ્લુએન્સર્સ અને કલાકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
કમિશનર મુંઢેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કાયદામાં ઈન્ફ્લુએન્સર્સ અને બ્રાન્ડ એન્ડોર્સ કરનારાઓ માટેના નિયમો પહેલેથી નક્કી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI)ની કલમ 24 સ્પષ્ટ કહે છે કે, જો તમે કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કે એન્ડોર્સમેન્ટ કરો છો, તો તમને તે પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પ્રચાર કરનાર વ્યક્તિ અને ઈન્ફ્લુએન્સરની કાનૂની જવાબદારી છે કે તે પ્રોડક્ટની પ્રામાણિકતા ચકાસે. આવું ન કરવા બદલ તેમની સામે પણ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં મુંઢેએ કહ્યું કે, પછી ભલે કોઈ મોટો બોલિવૂડ સ્ટાર હોય કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, કાયદાની નજરમાં તેઓ માત્ર જાહેરાતકર્તા (એડવર્ટાઈઝર) છે. જે લોકો એવો દાવો કરે છે કે સંપૂર્ણ જવાબદારી માત્ર પ્રોડક્ટ બનાવતી કંપનીની છે, તેઓ ખોટા છે. નૈતિક અને કાનૂની બંને રીતે જાહેરાત કરનાર પર જવાબદારી નક્કી થાય છે. FSSAIના 2018ના એડવર્ટાઈઝિંગ એન્ડ ક્લેમ્સ રેગ્યુલેશન હેઠળ ખોટો દાવો કરવા, ભ્રામક માહિતી આપવા કે સરોગેટ જાહેરાત બનાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શાહરુખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો સિગારેટ કે સોફ્ટ ડ્રિંક્સ ખરાબ હોય, તો સરકારે દેશમાં તેમનું વેચાણ અને ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ.
FDAએ 11 ઓગસ્ટે શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ મોકલી હતી. એજન્સીનો આરોપ છે કે વિમલ ઈલાયચીની જાહેરાત વાસ્તવમાં વિમલ પાન મસાલાનું સરોગેટ પ્રમોશન (પરોક્ષ જાહેરાત) છે. મહારાષ્ટ્રમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ છે. અભિનેતાઓને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા કાયદાની કલમ 53 હેઠળ ભ્રામક જાહેરાતનો ભાગ બનવા અથવા તેને પ્રકાશિત કરવા બદલ 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
કમિશનરે જણાવ્યું કે, જે એક્ટર્સે નોટિસનો જવાબ આપ્યો છે અને સુનાવણીની માંગ કરી છે, તેમની વાત સાંભળવામાં આવી રહી છે. આ પહેલાં શરૂઆતમાં એક એક્ટર તરફથી જવાબ ન મળતાં એડજ્યુડિકેશન અને પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે હવે ત્રણેય એક્ટર્સના જવાબ મળી ગયા છે, જેના આધારે આગળની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.