વિક્રમ સંવત 2083 ‘કાલયુક્ત’ નામનું સંવત્સર છે, જ્યારે શાલિવાહન શકે 1949 ‘પ્લવંગ’ સંવત્સર છે. જ્યોતિષ ગણતરી મુજબ વર્ષનો રાજા કેતુ છે, જે વિક્રમ સંવતની શરૂઆતની તારીખ 9 નવેમ્બર 2026ના રોજ દિલ્હી ખાતે બપોરે 12:32 કલાકે દેશની કુંડળીમાં ચોથા સુખ સ્થાને ઉચ્ચ રાશિમાં બને છે.
આ વર્ષ દરમિયાન શનિ મધ્યમ પ્રજાની સુખાકારી દર્શાવે છે. ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતમાં નોંધપાત્ર વિકાસ થશે. લોકોની સુખાકારી મધ્યમ રહેશે. વર્ષની શરૂઆતથી જ મોંઘવારીનું વિષચક્ર મધ્યમ વર્ગને ભરડામાં લેશે. બજારમાં નાણાંની અછત જોવા મળશે. ઋતુ વિકાર અને ગરમીનો પ્રકોપ વર્તાશે. ધનધાન્યની વૃદ્ધિ થવા છતાં ખાદ્યાન્નની અછત સર્જાય તેવી શક્યતા છે. સરકાર પ્રજાલક્ષી યોજનાઓ બહાર પાડશે, તેમ છતાં જનસમુદાયમાં અસંતોષ જોવા મળે. ધાર્મિક આડંબર અને આંદોલનોથી પ્રજા પરેશાન થતી રહેશે. મહિલાઓને કેન્દ્રમાં રાખીને શિક્ષણ, બાળવિકાસ તથા સ્ત્રીસશક્તિકરણની નવી યોજનાઓની જાહેરાત થશે. કમ્યુનિકેશન ક્ષેત્રમાં નવી શોધખોળ થશે. ધાર્મિક કાર્યક્રમોનો વ્યાપ વધશે. અગ્નિપ્રકોપ અને મહિલાઓ પરના અત્યાચારો સામે જાગૃત રહેવાની જરૂર રહેશે.
હવામાન અને વરસાદ અંગે જ્યોતિષીય અનુમાન મુજબ પ્રાકૃતિક અને પ્રાદેશિક રીતે હવામાન તથા વર્ષાઋતુની અસર જળવાઈ રહેશે. વરસાદ એકંદરે મધ્યમ રહેશે. વર્ષ દરમિયાન ગરમીની પ્રબળતા જોવા મળશે. જૂન 2027માં સખત લૂ વાય, બફારો રહેશે. ક્યાંક-ક્યાંક ખંડવૃષ્ટિ સર્જાશે અને તોફાની પવનો સાથે વરસાદ થશે. જુલાઈ 2027ના અંત ભાગમાં ચોમાસું જામશે અને સાર્વત્રિક વરસાદ થશે. ઓગસ્ટ 2027ની શરૂઆતમાં ભારે બફારા વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાશે. 17થી 21 ઓગસ્ટ 2027 દરમિયાન સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે. વાહન મોર છે અને પવન સાથે વરસાદનો યોગ બનતો હોવાથી 2027માં સર્વત્ર સારો વરસાદ થશે. નદી-નાળાં ઊભરાશે. નર્મદામાં ભયંકર પૂર આવશે. ક્યાંક-ક્યાંક અતિવૃષ્ટિથી નુકસાન થવાના ગ્રહ સંકેત મળે છે.
ગ્લોબલ વોર્મિંગ અને તાપમાનમાં વધારો થશે. વર્ષની શરૂઆતમાં બુધ, શુક્ર અને શનિની વક્ર ગતિના કારણે વાતાવરણમાં અસમતુલા જોવા મળશે અને કોઈ અજ્ઞાત રોગચાળો ફેલાવાની દહેશત છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાતનું પ્રમાણ ઘટશે. ભૂમંડળ પર મોટા વિનાશક ધરતીકંપની શક્યતા છે અને કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થશે. જૂન 2027માં શનિ અગ્નિ તત્ત્વની મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેથી વૈશ્વિક તાપમાનમાં અચાનક ઉછાળો આવશે. ભીષણ ગરમીના કારણે જંગલોમાં દાવાનળ પ્રગટી ઊઠશે. 2 ઓગસ્ટ 2027ના રોજ સૂર્યની અગ્નિ તત્ત્વની સિંહ રાશિમાં થનારું આ સદીનું સૌથી લાંબુ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. આ પ્રાકૃતિક અરાજકતા પેદા થવાનું કારણ બનશે. પૃથ્વીના અનેક ભાગોમાં, ખાસ કરીને એશિયા અને યુરોપના દેશોમાં દુષ્કાળ પડશે અને વીજ-પાણીની તંગી સર્જાશે. વીજ સંકટનો દેશ અને દુનિયાએ સામનો કરવો પડશે. બીજી બાજુ ગ્લેશિયર ઝડપથી પીગળવાના કારણે કૃત્રિમ વાવાઝોડા અને પૂરની ભયાનક સ્થિતિ સર્જાવાનો ભય રહેલો છે. ખનિજ અને ખેત ઉત્પાદન પર માઠી અસર પડવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વના પ્રદેશોમાં ખાનાખરાબી સર્જાશે. એકંદરે આખું વર્ષ શિયાળો ટૂંકો થશે અને ફેબ્રુઆરી 2027થી જ તાપમાનમાં વધારો થતાં ધરતીકંપ, જ્વાળામુખી ફાટવાની અને જંગલમાં દાવાનળ પ્રસરવાની ઘટનાઓ આકાર લે તેવા સંકેત મળી રહ્યા છે, જેથી વ્યાપક રીતે જળસંગ્રહ કરવાની જરૂર રહેશે.
શેરબજાર અને સોના-ચાંદી અંગે સંવત 2083ની શરૂઆતમાં શેરબજારમાં મોટે ભાગે અસ્થિરતાનો માહોલ ચાલુ રહેશે. બંને બાજુની અથડામણ વચ્ચે તેજીનું વાતાવરણ રહેશે. હોટેલ ઉદ્યોગ, કમ્યુનિકેશન અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી વર્તાશે. સટ્ટાખોરો ફાવી જાય તેવું બજાર રહેશે. ગુરુ અને શનિની ગોચર ગતિ એપ્રિલ 2027 પછી શેરબજારમાં વિદેશી રોકાણ (FDI) આકર્ષાશે અને રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવામાં મદદરૂપ થશે. જૂન 2027ની શરૂઆતમાં શનિનું રાશિ પરિવર્તન અને ઓગસ્ટ 2027માં થનારું સૂર્યગ્રહણ ક્રુડ ઓઈલ માર્કેટ અને વૈશ્વિક બજારોમાં તીવ્ર ઉથલપાથલ માટે કારણભૂત રહેશે. એકંદરે AI સેક્ટર, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર્સ, FMCG (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કમ્યુનિકેશન સાથે જોડાયેલી કંપનીઓ સારું પ્રદર્શન કરશે. સોના-ચાંદી અને પીળી ધાતુઓ મોંઘી થશે અને નવી ઊંચાઈ સર કરશે. સોનું, ચાંદી અને કાંસુ છ મહિના સુધી સંગ્રહ કરીને વેચવાથી ફાયદો થશે. ઘઉં, ચણા અને ચણાની દાળમાં તેજી આવશે. વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ રહેવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની રહેશે તેવું ગ્રહદર્શન છે.
ભારતની આંતરિક રાજનીતિમાં ચહલપહલ તેજ બનશે. સંવતનો શાસક ગ્રહ ગુરુ છે.