સત્ય. સાહસ. સંકલ્પ.

વિજયવાડામાં દોડતી ઇલેક્ટ્રિક કારમાં આગ: ચારના મોત, એકની હાલત ગંભીર

વિજયવાડામાં દોડતી ઇલેક્ટ્રિક કારમાં આગ: ચારના મોત, એકની હાલત ગંભીર

આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરના વેસ્ટ બાયપાસ પર એક ઇલેક્ટ્રિક કારમાં અચાનક આગ લાગતાં ચાર લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકો ગુંટુર જિલ્લાના નંબુરુ ગામે એક સામાજિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. તેમની કાર વિજયવાડા વેસ્ટ બાયપાસ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહીં. ચારેય લોકો કારમાં જ ફસાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા હતા.

મૃતકોની ઓળખ નુન્ના ગામના રહેવાસી કોમારેડ્ડી રામદેવ (39), તેમની માતા કોમારેડ્ડી અરુણા, એક બાળક તથા નંબુરુના રહેવાસી ટિગુરુ વિજયા તરીકે થઈ છે.

ઇલેક્ટ્રિક કારમાં આગ કયા કારણસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. વાહનની બેટરી સિસ્ટમમાં શોર્ટ સર્કિટના કારણે વિસ્ફોટ થયો કે અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી, તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) અને ટેકનિકલ તપાસ બાદ જ સામે આવશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.