વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન અને રાવણ દહનની સાથે ખીજડાના વૃક્ષની પૂજાની પણ જૂની પરંપરા છે. ખીજડાને વિજય, ન્યાય અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ વૃક્ષનો સંબંધ શનિ ગ્રહ સાથે બતાવવામાં આવ્યો છે. શનિને કર્મ, ન્યાય અને શિસ્તનો ગ્રહ માનવામાં આવે છે.
લોકમાન્યતા છે કે વિજયાદશમી પર ખીજડાની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મહાભારતની વાત મુજબ, પાંડવોને એક વર્ષનો અજ્ઞાતવાસ વિતાવવાનો હતો. તે સમયે તેમણે પોતાનાં શસ્ત્રો સુરક્ષિત રાખવા ખીજડાના વૃક્ષ પર છુપાવી દીધાં હતાં. અજ્ઞાતવાસ પૂરો થયા પછી અર્જુને આ વૃક્ષ પરથી શસ્ત્રો પાછાં મેળવ્યાં અને વિજય મેળવ્યો. એટલે જ દશેરાના દિવસે ખીજડા પૂજન અને શસ્ત્ર પૂજનની પરંપરા શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે.
બીજી એક પૌરાણિક કથા છે. રાજા રઘુ પાસે ઋષિ વરતંતુના શિષ્ય કૌત્સે ગુરુદક્ષિણા આપવા માટે ધન માંગ્યું હતું. રાજા રઘુની દાનશીલતાથી પ્રસન્ન થઈને ધનના દેવતા કુબેરે દશેરાના દિવસે ખીજડાના પાંદડાંને સોનાની મુદ્રાઓમાં બદલી નાખ્યાં હતાં. એ ઘટના પછીથી દશેરાના દિવસે ખીજડાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે.