સત્ય. સાહસ. સંકલ્પ.

વિયેના ઓપન: મેદવેદેવ આજે અલ્કારેઝ સામે, ઝ્વેરેવ પણ સેમિફાઇનલમાં

વિયેના ઓપન: મેદવેદેવ આજે અલ્કારેઝ સામે, ઝ્વેરેવ પણ સેમિફાઇનલમાં

રશિયન ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે વિયેના ઓપન ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. શુક્રવારે રાત્રે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં તેણે ફ્રાન્સના એડ્રિયન મન્નારિનોને સીધા સેટમાં 6-2, 6-3થી હરાવ્યો.

હવે સેમિફાઇનલમાં મેદવેદેવનો મુકાબલો સ્પેનના કાર્લોસ અલ્કારેઝ સાથે થશે. અલ્કારેઝે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના ટોમી પૉલને 6-4, 7-6 (7-2)થી હરાવીને ટૉપ-4માં સ્થાન મેળવ્યું છે.

30 વર્ષના મેદવેદેવે આ જીત સાથે સીઝનની છેલ્લી ટુર્નામેન્ટ એટીપી ફાઇનલ્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. આ ટુર્નામેન્ટ 15થી 22 નવેમ્બર સુધી ઇટાલીના ટ્યુરિનમાં રમાશે.

દુનિયાના 73મા ક્રમાંકના ખેલાડી મન્નારિનો સામે મેદવેદેવે શરૂઆતથી જ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેણે પહેલો સેટ 6-2 અને બીજો સેટ 6-3થી જીત્યો. રશિયન ખેલાડીએ મન્નારિનોની સર્વિસ પર બીજા મેચ પોઇન્ટ પર જીત નોંધાવી.

સપ્ટેમ્બરમાં યુએસ ઓપન બાદથી મેદવેદેવ સારા ફોર્મમાં છે. તેણે હાંગઝોઉ અને અલ્માટીમાં એટીપી ટાઇટલ જીત્યા છે. તે શાંઘાઈ માસ્ટર્સ અને બીજિંગ એટીપી 500 ટુર્નામેન્ટની સેમિફાઇનલ સુધી પણ પહોંચ્યો હતો. હવે વિયેનામાં ટાઇટલ જીતવા માટે તેણે વધુ બે મુકાબલા જીતવા પડશે.

23 વર્ષીય અલ્કારેઝે ટોમી પૉલ સામેની મેચ બાદ કહ્યું કે તેણે શાનદાર ટેનિસ રમી અને સીધા સેટમાં જીત મેળવીને તે સંતુષ્ટ છે.

બીજી સેમિફાઇનલમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવનો સામનો ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોર સામે થશે. ઝ્વેરેવે બ્રિટનના આર્થર ફેરીને 6-0, 6-2થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલો માત્ર 58 મિનિટ ચાલ્યો.

જીત બાદ ઝ્વેરેવે ફેરીની રમતના વખાણ કર્યા. તેણે કહ્યું કે ફેરી પાસે ભલે બીજા ખેલાડીઓ જેટલી તાકાત ન હોય, પરંતુ તે વ્યૂહાત્મક રીતે સારું રમે છે.

પાંચમી ક્રમાંકિત ડી મિનોરે ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના મત્તેઓ બેરેટિનીને 7-6 (7-4), 6-2થી હરાવ્યો. મેચ બાદ તેમણે કહ્યું કે મુકાબલાના શરૂઆતના તબક્કામાં પોતાની સર્વિસ જાળવી રાખવી પડકારજનક હતી, પરંતુ દબાણ વચ્ચે સારું પ્રદર્શન કરીને તેમણે જીત મેળવી.