સત્ય. સાહસ. સંકલ્પ.

વિદ્યુત જામવાલે 15 મિનિટ શ્વાસ રોક્યો, 20 મિનિટ પાંપણ ન ઝબકાવી; 'સ્ટ્રીટ ફાઇટર' ઇવેન્ટમાં ચોંકાવ્યા

વિદ્યુત જામવાલે 15 મિનિટ શ્વાસ રોક્યો, 20 મિનિટ પાંપણ ન ઝબકાવી; 'સ્ટ્રીટ ફાઇટર' ઇવેન્ટમાં ચોંકાવ્યા

મુંબઈ: અભિનેતા વિદ્યુત જામવાલ પોતાના ખતરનાક સ્ટન્ટ્સ અને ફિટનેસ માટે જાણીતા છે. તાજેતરમાં 'સ્ટ્રીટ ફાઇટર' ફિલ્મની એક ઇવેન્ટમાં તેમણે એવું કારનામું કર્યું કે હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વિદ્યુતે લગભગ 15 મિનિટ સુધી શ્વાસ રોકીને એકીટશે બેસી રહ્યા. તેમની આંખો ખુલ્લી હતી અને તેમણે પલક પણ ન ઝબકાવી. થોડા સમય બાદ તેમના પગમાં કંપન દેખાવા લાગ્યો અને આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. આ જ ઇવેન્ટમાં વિદ્યુતે તેમની હોલિવૂડ ફિલ્મ, ધલસિમના પાત્ર, શૂટિંગના અનુભવ અને બોલિવૂડ સાથેની સરખામણી વિશે પણ ખુલ્લેઆમ વાત કરી.

‘સ્ટ્રીટ ફાઇટર’ની ઇવેન્ટમાં વિદ્યુત જામવાલ લગભગ 15 મિનિટ સુધી શ્વાસ લીધા વિના અને પલક ઝબકાવ્યા વિના બેઠા રહ્યા. શરૂઆતમાં લોકોને લાગ્યું કે તે ધ્યાન કરી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી આ સ્થિતિમાં રહેતાં સૌનું ધ્યાન તેમની તરફ ગયું. લગભગ 15 મિનિટ પછી તેમના પગમાં હળવું કંપન જોવા મળ્યું અને આંખોમાંથી પાણી આવવા લાગ્યું. ત્યારે લોકોને સમજાયું કે તે આટલા લાંબા સમયથી શ્વાસ રોકીને બેઠા હતા. વિદ્યુતની યોગ અને માર્શલ આર્ટ્સની તાલીમ લાંબા સમયથી તેમની ફિટનેસનો ભાગ રહી છે અને તેની અસર તેમના એક્શન સ્ટન્ટ્સમાં પણ જોવા મળે છે.

ઇવેન્ટમાં વિદ્યુતે પોતાની ફિટનેસનો દમ બતાવ્યો. તેમણે પોતાના હોલિવૂડ ડેબ્યૂ અને ધલસિમના પાત્ર વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે બાળપણમાં તેમનું ધ્યાન વીડિયો ગેમ રમવાને બદલે રમતો પર રહ્યું. તેમનું માનવું છે કે આ જ કારણ હતું કે તેમને આગળ જતાં ‘સ્ટ્રીટ ફાઇટર’ જેવી ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેમણે કહ્યું કે આખી જિંદગી આવા પાત્ર માટે મહેનત કરી છે. ફિલ્મમાં કામ કરવાના અનુભવને ખાસ ગણાવ્યો. વિદ્યુતના જણાવ્યા મુજબ, તેમને 50 સેન્ટ, WWE રેસલર્સ અને દુનિયાના ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી.

વિદ્યુતે જણાવ્યું કે ફિલ્મના દિગ્દર્શકે તેમના અગાઉના કામને ખૂબ નજીકથી જોયું હતું. તેમની અગાઉની ફિલ્મો જોયા બાદ જ તેમને ધલસિમની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પાત્રની તૈયારી દરમિયાન તેમના માટે સૌથી મોટો સવાલ માથું મુંડાવવાનો હતો, પરંતુ નિર્માતાઓએ શાનદાર પ્રોસ્થેટિક્સ તૈયાર કર્યા હોવાથી તેની જરૂર પડી નહીં.

વિદ્યુતે હોલીવૂડ અને બોલિવૂડમાં કામ કરવાની રીતમાં રહેલા તફાવત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે હોલિવૂડમાં સમયની ખૂબ પાબંદી હોય છે. ત્યાં મોટા-મોટા સ્ટાર પણ નક્કી કરેલા સમયે સેટ પર પહોંચી જાય છે. તેમણે જણાવ્યું કે સેટ પર લગભગ 300 લોકો કામ કરે છે અને બધા નક્કી કરેલા શિસ્તનું પાલન કરે છે. વિદ્યુતે રમૂજી અંદાજમાં કહ્યું કે જો કોઈ એક મિનિટ પણ મોડું થાય, તો પ્રોડક્શન તરફથી ફોન આવે છે કે ક્યાંક તે હોસ્પિટલમાં તો નથી ને.

ઇવેન્ટમાં એક રિપોર્ટરે વિદ્યુતને બોલિવૂડના કોઈ એક્ટર સાથે કામ કરવા અથવા લડાઈ કરવા અંગે સવાલ પૂછ્યો. સવાલ પૂરો થાય તે પહેલાં જ વિદ્યુતે તેને રોકી દીધા. તેમણે કહ્યું કે સરખામણીવાળા સવાલો ક્યારે બંધ થશે. વિદ્યુતે રિપોર્ટરને કહ્યું કે હોલિવૂડમાં મળેલી તેમની સફળતા અંગે સવાલ પૂછવામાં આવે. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું- ‘શટ અપ! મિત્ર જેવા સવાલ પૂછ.’ ત્યારબાદ રિપોર્ટરે પૂછ્યું કે તે બોલિવૂડના કયા અભિનેતા સાથે ફાઇટ કરવા ઇચ્છશે, ત્યારે વિદ્યુતે કહ્યું કે રિપોર્ટર જેની સાથે તેમની લડાઈ કરાવવા માગે છે, તેનું નામ તેમને મેસેજ કરી દે. તેમણે કહ્યું કે તે કોઈપણ સાથે ફાઇટ કરવા માટે તૈયાર છે.

વિદ્યુત જામવાલ ‘સ્ટ્રીટ ફાઇટર’માં પ્રસિદ્ધ વીડિયો ગેમના પાત્ર ધાલસિમની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં નોઆ સેન્ટિનિયો, એન્ડ્રુ કોઝી, કાલિના લિયાંગ, રોમન રેન્સ એટલે કે જો અનોઆઈ, ડેવિડ ડેસ્ટમલચિયન, કોડી રોડ્સ, એરિક આન્દ્રે, એન્ડ્રુ શુલ્ઝ, 50 સેન્ટ અને જેસન મોમોઆ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ ભારતમાં 16 ઑક્ટોબર 2026ના રોજ અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.