વિદ્યા બાલન આજે બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે મહિલા કેન્દ્રિત ફિલ્મોને નવી ઓળખ આપી છે. 'કહાની', 'ધ ડર્ટી પિક્ચર' અને 'તુમ્હારી સુલુ' જેવી ફિલ્મોમાં અભિનય પ્રતિભા સાબિત કરનાર વિદ્યા માટે આ મુકામ સરળ નહોતો. કારકિર્દીની શરૂઆતમાં તેમને અપશુકનિયાળ ગણવામાં આવ્યાં. મોહનલાલ સાથેની તેમની પહેલી મલયાલમ ફિલ્મ બંધ થવાનો દોષ પણ તેમના પર ઢોળવામાં આવ્યો. તેમને લગભગ 12 ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. એક નિર્માતાએ તેમના દેખાવ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તેઓ હિરોઇન જેવી દેખાય છે? આ અપમાનથી વિદ્યા એટલી તૂટી ગયાં કે લગભગ છ મહિના સુધી અરીસામાં પોતાને જોવાની હિંમત ન કરી શક્યાં. પરંતુ તેમણે હાર માની નહીં. 'પરિણીતા'થી શાનદાર વાપસી કરી અને આગળ જતાં નેશનલ અવૉર્ડ પણ પોતાના નામે કર્યો.
વિદ્યા બાલનનો જન્મ 1 જાન્યુઆરી, 1979ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ કેરળના પાલક્કડનો છે. તેમના પિતા પીઆર બાલન કોર્પોરેટ પ્રોફેશનલ રહ્યા છે, જ્યારે માતા સરસ્વતી બાલન ગૃહિણી છે. તેમની મોટી બહેન પ્રિયા બાલન છે. વિદ્યાનું બાળપણ મુંબઈના ચેમ્બુરમાં વીત્યું હતું. તેમણે સેન્ટ એન્થની ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. આ પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી આ જ વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી.
વિદ્યાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેઓ માધુરી દીક્ષિત અને શબાના આઝમીની અદાકારીથી પ્રભાવિત હતાં. આઠ વર્ષની ઉંમરે માધુરીની ફિલ્મ 'તેઝાબ' જોયા બાદ અભિનેત્રી બનવાની તેમની ઈચ્છા વધુ મજબૂત બની હતી.
વિદ્યાએ 16 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. વર્ષ 1995માં તેમને એકતા કપૂરના લોકપ્રિય કોમેડી શો 'હમ પાંચ'માં રાધિકા માથુરનું પાત્ર મળ્યું. ચશ્માં પહેરતી શાંત સ્વભાવની છોકરી તરીકેનું આ પાત્ર દર્શકોને પસંદ આવ્યું. શોનું શૂટિંગ અને અભ્યાસ એકસાથે સંભાળવો તેમના માટે મુશ્કેલ બનવા લાગ્યો. કૉલેજમાં સતત ગેરહાજર રહેવાને કારણે તેમની હાજરી પર અસર પડી રહી હતી. પરિવારે સ્પષ્ટ કરી દીધું કે તેમણે અભિનયની સાથે અભ્યાસ પણ પૂર્ણ કરવો પડશે. આવી સ્થિતિમાં તેમણે શો છોડી દીધો.
ત્યારબાદ વિદ્યાએ જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે લગભગ 60 જાહેરાતોમાં અભિનય કર્યો. આ દરમિયાન તેમની મુલાકાત દિગ્દર્શક પ્રદીપ સરકાર સાથે થઈ. બંનેએ જાહેરાતોની સાથે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું. વિદ્યા યૂફોરિયાના ગીત 'કભી આના તૂ મેરી ગલી', શુભા મુદગલના 'અબ કે સાવન' અને પંકજ ઉધાસના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી. તેમને અંદાજો નહોતો કે આ મ્યુઝિક વીડિયો આગળ જતાં તેમનું જીવન બદલી નાખશે.
ટીવી અને જાહેરાતોમાં કામ કર્યા બાદ વિદ્યા ફિલ્મોમાં નસીબ અજમાવવા માંગતી હતી. આ દરમિયાન તેમને મલયાલમ ફિલ્મ 'ચક્રમ'માં કામ મળ્યું. ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ જોવા મળવાના હતા. વિદ્યા માટે આ મોટું સપનું સાકાર થવા જેવું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, પરંતુ પ્રોડક્શન સંબંધિત સમસ્યાઓને કારણે તે અધવચ્ચે જ બંધ થઈ ગઈ.
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોહનલાલ જેવા મોટા સ્ટારની ફિલ્મનું બંધ થઈ જવું અસામાન્ય માનવામાં આવી રહ્યું હતું. તેનો દોષ વિદ્યા પર ઢોળી દેવામાં આવ્યો. કેટલાક નિર્માતાઓએ તેમને અનલકી અને પનોતી માની લીધા. વિદ્યાએ બાદમાં જણાવ્યું હતું કે આ ઘટના પછી તેમને લગભગ એક ડઝન તમિલ અને મલયાલમ ફિલ્મોમાંથી રિપ્લેસ કરી દેવામાં આવી હતી. તમિલ ફિલ્મ 'રન'માં તેમને આર. માધવન સાથે કામ મળ્યું હતું. શૂટિંગનું એક શેડ્યૂલ પૂરું થયા બાદ તેમને હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ મીરા જાસ્મિનને લેવામાં આવી. 'મનસેલ્લમ'માં પણ પહેલાં વિદ્યાને લેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમની જગ્યાએ ત્રિશાને કાસ્ટ કરવામાં આવી. આ દરમિયાન તેમણે મલયાલમ ફિલ્મ 'કલારી વિક્રમન'માં કામ કર્યું, પરંતુ તે સિનેમાઘરો સુધી પહોંચી શકી નહીં.
વિદ્યા માટે ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવવા કરતાં વધુ મુશ્કેલ તેમના લુક પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ સહન કરવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં વિદ્યાએ જણાવ્યું હતું કે એક તમિલ ફિલ્મના નિર્માતાએ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. થોડા દિવસો બાદ...