મુંબઈ: વિદ્યા બાલન આજે બોલિવૂડની એ અભિનેત્રીઓમાં ગણાય છે જેમણે મહિલા-કેન્દ્રિત ફિલ્મોને નવી ઓળખ આપી છે. 'કહાની', 'ધ ડર્ટી પિક્ચર' અને 'તુમ્હારી સુલુ' જેવી ફિલ્મોમાં અભિનયની પ્રતિભા સાબિત કરનાર વિદ્યા માટે આ મુકામ સરળ નહોતો. કારકિર્દીની શરૂઆતમાં તેમને અપશુકનિયાળ ગણવામાં આવ્યાં. મોહનલાલ સાથેની તેમની પહેલી મલયાલમ ફિલ્મ બંધ થવાનો દોષ પણ તેમના પર ઢોળવામાં આવ્યો. તેમને લગભગ 12 ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યાં.
એક નિર્માતાએ તેમના દેખાવ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તેઓ હિરોઇન જેવા દેખાય છે? આ અપમાનથી વિદ્યા એટલા તૂટી ગયાં કે લગભગ છ મહિના સુધી તેમને અરીસામાં પોતાને જોવાની હિંમત ન થઈ. પરંતુ તેમણે હાર ન માની. 'પરિણીતા' થી શાનદાર વાપસી કરી અને આગળ જતાં નેશનલ અવૉર્ડ પણ પોતાના નામે કર્યો.
વિદ્યા બાલનનો જન્મ 1 જાન્યુઆરી, 1979ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ કેરળના પાલક્કડનો છે. પિતા પીઆર બાલન કોર્પોરેટ પ્રોફેશનલ રહ્યા છે, જ્યારે માતા સરસ્વતી બાલન ગૃહિણી છે. તેમની મોટી બહેન પ્રિયા બાલન છે. વિદ્યાનું બાળપણ મુંબઈના ચેમ્બુરમાં વીત્યું. તેમણે સેન્ટ એન્થની ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી આ જ વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી.
વિદ્યાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેઓ માધુરી દીક્ષિત અને શબાના આઝમીની અદાકારીથી પ્રભાવિત હતાં. આઠ વર્ષની ઉંમરે માધુરીની ફિલ્મ 'તેઝાબ' જોયા બાદ અભિનેત્રી બનવાની તેમની ઈચ્છા વધુ મજબૂત બની. 16 વર્ષની ઉંમરે તેમણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો. વર્ષ 1995માં તેમને એકતા કપૂરના લોકપ્રિય કોમેડી શો 'હમ પાંચ'માં રાધિકા માથુરનું પાત્ર મળ્યું. ચશ્માં પહેરતી શાંત સ્વભાવની છોકરી તરીકેનું આ પાત્ર દર્શકોને પસંદ આવ્યું. શોનું શૂટિંગ અને અભ્યાસ એકસાથે સંભાળવો મુશ્કેલ બનતાં, કૉલેજમાં હાજરી પર અસર પડી. પરિવારે સ્પષ્ટ કરી દીધું કે અભિનયની સાથે અભ્યાસ પણ પૂરો કરવો પડશે, તેથી તેમણે શો છોડી દીધો.
ત્યારબાદ વિદ્યાએ જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે લગભગ 60 જાહેરાતોમાં અભિનય કર્યો. આ દરમિયાન તેમની મુલાકાત દિગ્દર્શક પ્રદીપ સરકાર સાથે થઈ. બંનેએ જાહેરાતોની સાથે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું. વિદ્યા યૂફોરિયાના ગીત 'કભી આના તૂ મેરી ગલી', શુભા મુદગલના 'અબ કે સાવન' અને પંકજ ઉધાસના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી. તેમને અંદાજો નહોતો કે આ મ્યુઝિક વીડિયો આગળ જતાં તેમનું જીવન બદલી નાખશે.
ટીવી અને જાહેરાતોમાં કામ કર્યા બાદ વિદ્યા ફિલ્મોમાં નસીબ અજમાવવા માંગતી હતી. આ દરમિયાન તેમને મલયાલમ ફિલ્મ 'ચક્રમ'માં કામ મળ્યું, જેમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ હતા. વિદ્યા માટે આ મોટું સપનું સાકાર થવા જેવું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, પરંતુ પ્રોડક્શન સંબંધિત સમસ્યાઓને કારણે તે અધવચ્ચે જ બંધ થઈ ગઈ. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોહનલાલ જેવા મોટા સ્ટારની ફિલ્મ બંધ થવી અસામાન્ય ગણાઈ, અને તેનો દોષ વિદ્યા પર ઢોળી દેવામાં આવ્યો. કેટલાક નિર્માતાઓએ તેમને અનલકી અને પનોતી માની લીધા.
વિદ્યાએ બાદમાં જણાવ્યું હતું કે આ ઘટના પછી તેમને લગભગ એક ડઝન તમિલ અને મલયાલમ ફિલ્મોમાંથી રિપ્લેસ કરી દેવામાં આવ્યાં હતાં. તમિલ ફિલ્મ 'રન'માં તેમને આર. માધવન સાથે કામ મળ્યું હતું, પરંતુ શૂટિંગનું એક શેડ્યૂલ પૂરું થયા બાદ તેમને હટાવી દેવામાં આવ્યાં અને તેમની જગ્યાએ મીરા જાસ્મિનને લેવામાં આવ્યાં. 'મનસેલ્લમ'માં પણ પહેલાં વિદ્યાને લેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમની જગ્યાએ ત્રિશાને કાસ્ટ કરવામાં આવ્યાં. આ દરમિયાન તેમણે મલયાલમ ફિલ્મ 'કલારી વિક્રમન'માં કામ કર્યું, પરંતુ તે સિનેમાઘરો સુધી પહોંચી શકી નહીં.
ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવવા કરતાં વધુ મુશ્કેલ તેમના લુક પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ સહન કરવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં વિદ્યાએ જણાવ્યું હતું કે એક તમિલ ફિલ્મના નિર્માતાએ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તેઓ હિરોઇન જેવા દેખાય છે? આ ઘટનાએ તેમને અંદરથી તોડી નાખ્યાં હતાં.