ગુજરાતના સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં હવે ખેલૈયાઓએ ગરબે ઘૂમવા માટે ચાર્જ ચૂકવવો પડશે. છેલ્લા 23 વર્ષથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ મહોત્સવ સંપૂર્ણપણે નિઃશુલ્ક યોજાતો હતો. પરંતુ આ વર્ષે પ્રથમ વખત પ્રવાસન નિગમે પ્રવેશ માટે ટિકિટિંગ વ્યવસ્થા જાહેર કરી છે, જેને લઈને ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
નવી ટિકિટિંગ વ્યવસ્થા અને ચાર્જની વિગતો
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. જોકે, બીજા નોરતાથી લઈને છેલ્લા નોરતા સુધી ખેલૈયાઓએ ગરબા રમવા માટે ચાર્જ ચૂકવવો પડશે. બીજાથી પાંચમા નોરતા સુધી સામાન્ય ખેલૈયાઓ માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. આ ઉપરાંત, ગ્રૂપ બુકિંગ માટે 300 થી 600 રૂપિયા સુધીનો ચાર્જ રહેશે. તહેવારની જમાવટ વધતાં ચાર્જમાં પણ વધારો થશે. છઠ્ઠાથી નવમા નોરતે ગરબા રમવા માટે પ્રતિ વ્યક્તિ 250 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે આ દિવસોમાં ગ્રૂપ બુકિંગના ભાવ 750 થી 1500 રૂપિયા સુધીના રહેશે.
ખેલૈયાઓ અને સામાન્ય જનતાનો રોષ
વાઇબ્રન્ટ નવરાત્રીમાં અચાનક ચાર્જ લાગુ થતાં ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં યુવાનો અને પરિવારો ગરબા રમવા અને જોવા માટે આવતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ એક એવું સ્થળ હતું જ્યાં તેઓ નિઃશુલ્ક ગરબાનો આનંદ માણી શકતા હતા. લોકોનું કહેવું છે કે સરકારે આ લાભ છીનવી લીધો છે અને આ નિર્ણય આઘાતજનક છે. લોકો માગ કરી રહ્યા છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ વાઇબ્રન્ટ નવરાત્રી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવી જોઈએ.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા
આ વિવાદ અને વધતા જતા રોષ વચ્ચે મંત્રી હર્ષ સંઘવીએ સરકારનો બચાવ કરતા એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ મોટો ચાર્જ નથી, પરંતુ માત્ર 100 રૂપિયા જેવો સામાન્ય ઓનલાઈન ટોકન દર છે. આ વ્યવસ્થા લોકોની સુવિધા માટે ઊભી કરવામાં આવી છે જેથી ખેલૈયાઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવીને સીધી એન્ટ્રી મેળવી શકે અને ભીડનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે પૂરતી માહિતી વાંચી નથી અને તેમને પત્ર લખીને સંપૂર્ણ વિગતો આપવામાં આવશે. આ ઉપરાંત, દિવ્યાંગજનો માટે આ મહોત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ તેમજ લાવવા-લઈ જવા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.
એક તરફ સરકાર આ ઓનલાઈન ટોકન પાસ સિસ્ટમને આયોજનબદ્ધ વ્યવસ્થા અને ભીડ નિયંત્રણના ભાગરૂપે રજૂ કરી રહી છે, તો બીજી તરફ સામાન્ય ખેલૈયાઓ આ નિર્ણયને પોતાના ખિસ્સા પર પડેલા આર્થિક ભારણ તરીકે જોઈ રહ્યા છે. અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડના પાસનો મુદ્દો ગુજરાતમાં લોકચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.