સત્ય. સાહસ. સંકલ્પ.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: સિંગાપોર અને દક્ષિણ કોરિયાની કંપનીઓ કરોડોના રોકાણ માટે ઉત્સુક

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: સિંગાપોર અને દક્ષિણ કોરિયાની કંપનીઓ કરોડોના રોકાણ માટે ઉત્સુક

ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો તેજ કર્યા છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં સફળ રોડ-શો યોજ્યો છે. આ આઠ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી, ઉત્પાદન એકમો સ્થાપવા અને સંયુક્ત સાહસો શરૂ કરવામાં રસ દર્શાવ્યો છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ, હેલ્થકેર, ગ્રીન એનર્જી અને ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત માટે નવી તકો ઊભી થવાની સંભાવના છે.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 19થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીના સ્થળ તરીકે રજૂ કરવાનો, આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વ્યાપારી સંબંધો મજબૂત કરવાનો અને તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રિત કરવાનો હતો.

સિંગાપોર પ્રવાસ દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે કુલ 20 બેઠકો અને મુલાકાતો કરી હતી. જેમાં 9 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 2 સરકારી સ્તરની બેઠકો, 5 રાઉન્ડટેબલ બેઠકો અને 4 ઔદ્યોગિક સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી ગન સિઓવ હુઆંગ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સિંગાપોરમાં ભારતના હાઈકમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા આયોજિત ડિનરમાં પણ પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો.

SSIA, SICCI, AIBP, TiE Singapore અને Singapore Gujarati Society જેવા ઉદ્યોગ સંગઠનો સાથેની બેઠકોમાં સેમિકન્ડક્ટર, ઇનોવેશન, GIFT સિટી અને કૌશલ્ય વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી, ASMPTની યીશુન ફેસિલિટી, ગ્લોબલ ટેક સોલ્યુશન્સ અને A*STAR ફ્યુઝનોપોલિસની મુલાકાત લઈને તેમની ઉત્પાદન અને સંશોધન ક્ષમતાઓનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.

સિંગાપોરની મુલાકાત દરમિયાન ગુજરાતમાં રોકાણની અનેક સંભાવનાઓ સામે આવી છે. ગ્લોબલ ટેક સોલ્યુશન્સે ધોલેરામાં ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો છે. ભારત સેમિટેકે સાણંદમાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે રસ દાખવ્યો છે.

માઇક્રોન ટેકનોલોજી દ્વારા એસેમ્બલી અને ટેસ્ટિંગ કામગીરીના વિસ્તરણ અંગે, જ્યારે ASMPT દ્વારા સેમિકન્ડક્ટર પેકેજિંગ ઇકોસિસ્ટમના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓટોડેસ્કે GIFT સિટીમાં પોતાની ઓફિસ શરૂ કરવાની સંભાવના દર્શાવી છે.

આ ઉપરાંત રેડવુડ ઇન્ટિરિયરે પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન એકમ સ્થાપવાની સંભાવના અંગે રસ દાખવ્યો છે. ગાર્ડન્ટ AMEA દ્વારા ગુજરાતની આરોગ્ય સંસ્થાઓ સાથે કેન્સર નિદાન ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ માટે GBU, GBRC, GCRI અને GSBTM સાથે સંભવિત ભાગીદારીની વાત થઈ હતી.

કેપેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતમાં ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા, કૂલિંગ અને ટકાઉ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની તકોમાં રસ દર્શાવ્યો છે. બીજી તરફ, SMIT સેવવેજ દ્વારા ગુજરાતમાં ઓપરેશનલ બેઝ સ્થાપવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડે નોરા કંપનીએ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વેસ્ટવોટર સોલ્યુશન્સ અંગે સહયોગની સંભાવના વ્યક્ત કરી છે. A*STAR દ્વારા સિલિકોન ફોટોનિક્સ અને SiC ટેકનોલોજીમાં સંશોધન અને વિકાસ (R&D) માટે સહયોગમાં રસ દર્શાવવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાની GnBS Eco દ્વારા ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ઉત્પાદન માટે 12 એકર જમીનની માંગ કરવામાં આવી છે. સિલિકોન ડિસ્પ્લેએ 12 ઇંચની TFT ફિંગરપ્રિન્ટ સેન્સર સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવામાં રસ દર્શાવ્યો છે. LAMKO અને ડોંગવૂ ફાઇન-કેમ દ્વારા ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર કેમિકલ્સ અને મટિરિયલ્સના ઉત્પાદન અંગે રસ દાખવ્યો છે.