ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એક સત્તાવાર પ્રવાસ યોજ્યો હતો. આ પ્રવાસમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન અને ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉદ્યોગ અને વહીવટ ક્ષેત્રના પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું.
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવા, આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધો મજબૂત કરવા અને ઉદ્યોગ તેમજ રમતગમત ક્ષેત્રે સહયોગની નવી તકો શોધવાનો હતો. પ્રતિનિધિમંડળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ વૈદ્ય, શક્તિ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રેયાંશ ગોયલ, હિન્દુસ્તાન મેગ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હર્ષિલ તમાકુવાલા, એલેક્સિસ એડવાઇઝર્સ એલએલપીના ડિરેક્ટર મિલન ઠક્કર, એસોચેમ ગુજરાત કાઉન્સિલના રિજનલ ડિરેક્ટર વિપુલ ગજિંગવાર, કેપીએમજીના કન્સલ્ટન્ટ શિવેશ શિંદે તેમજ આઈએએસ અધિકારીઓ ધવલ પટેલ અને રૂપવંતસિંહનો સમાવેશ થતો હતો.
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બેઠકોમાં ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર અને રિસર્ચ ઓફિસર ફ્લોરેન્સ અલ્ફોન્સો પણ જોડાયા હતા. વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગુજરાતમાં રોકાણની તકો, ઔદ્યોગિક વિકાસ અને લાંબા ગાળાની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રવાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો રમતગમત ક્ષેત્ર સાથે સંબંધિત રહ્યો હતો. પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને રમતગમતના આધુનિક માળખાકીય સ્થળોની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમની મેનેજમેન્ટ ટીમો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ સાથે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન અને સંચાલન અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને ગુજરાતમાં આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ મુલાકાતો ઉપયોગી ગણાઈ છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રતિનિધિમંડળે ઓકલેન્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર મુઆનપુઈ સાઈઆવી અને ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રવાસ દ્વારા ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યની ભાગીદારીનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણ, આધુનિક ટેક્નોલોજી, ઔદ્યોગિક વિકાસ અને રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ગુજરાતને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.