ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ શરૂ કરી છે. આ માટે રાજ્યના 12 સિનિયર IAS અધિકારીઓને વિવિધ દેશોના પ્રવાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલયમાંથી આ નિર્ણય લેવાયો છે.
આગામી સમિટમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય વહીવટી તંત્ર વિદેશમાં રોડ-શો અને બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આ અધિકારીઓના વિદેશ પ્રવાસનો હેતુ પણ આ પ્રયાસોને વેગ આપવાનો છે.
અધિકારીઓની ગેરહાજરીમાં વિભાગોનું કામ અટકે નહીં તે માટે સરકારે તેમની વધારાની જવાબદારી અન્ય અધિકારીઓને સોંપી છે. આ કામચલાઉ ચાર્જ નીચે મુજબ છે:
ડૉ. અંજુ શર્માનો પ્રભારી ચાર્જ ડૉ. ટી. નટરાજનને અને ડૉ. જયંતી રવિની જવાબદારી બી. એ. શાહને સોંપાઈ છે. મમતા વર્માના વિભાગનો હવાલો રાજીવ ટોપને, લોચન શહેરાની જવાબદારી વિનોદ રાવને અને રૂપવંત સિંઘનો ચાર્જ અજય ભાદૂ સંભાળશે.
સ્વરૂપ પી. ના ખાતાનો હવાલો મિલિંદ તોરવણેને, પી. ભારતીનો ચાર્જ ધનંજય દ્વિવેદીને તથા જેનુ દેવાનનો હવાલો સંદીપ કુમારને સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અર્દરા અગ્રવાલનો હવાલો રતનકંવર ચારણ ગઢવીને, ધવલ પટેલની જવાબદારી હર્ષિત ગોસાવીને, પ્રવિણા ડી. કે.નો પ્રભારી ચાર્જ કુલદીપ આર્યાને અને વિજય ખરાડીના વિભાગની જવાબદારી નાગરાજનને સુપ્રત કરાઈ છે.
આ ગોઠવણથી એક તરફ વાઇબ્રન્ટ સમિટ 2027 માટે વિદેશી રોકાણ લાવવાના પ્રયાસોને વેગ મળશે, તો બીજી તરફ સચિવાલયનું વહીવટી કામકાજ પણ અટક્યા વિના ચાલુ રહેશે તેવું સરકારનું અનુમાન છે.