ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ની 11મી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. આ સમિટ પહેલાં ગુજરાત સરકાર વિશ્વના 22 દેશોમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલીને ગ્લોબલ રોકાણકારોને આમંત્રણ આપશે. ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન આ મુલાકાતો થશે.
સરકારનો ઉદ્દેશ્ય ગુજરાતની વિકાસગાથાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો છે. આ વખતની સમિટની થીમ છે – “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર”. સમિટમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગિફ્ટ સિટી જેવા ભવિષ્યના ઉદ્યોગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ગ્લોબલ CEOs સાથે સેક્ટર-આધારિત રાઉન્ડ ટેબલ બેઠકો યોજશે. આ મુલાકાતો દરમિયાન UAE, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને EU સાથે ભારત દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) થી થનારા વેપારી ફાયદાઓ પણ ગ્લોબલ રોકાણકારો સમક્ષ રજૂ કરાશે.
ભારતના 8 પ્રમુખ શહેરોમાં સ્પેશિયલ રોડ-શોનું આયોજન કરવામાં આવશે. આ શહેરો છે: ગુવાહાટી, લખનઉ, બેંગાલુરુ, હૈદ્રાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર અને ભુવનેશ્વર. આ રોડ-શો દ્વારા ગુજરાતને દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ હબ તરીકે વધુ મજબૂત કરવામાં આવશે.
કયા 22 દેશોમાં યોજાશે બેઠકો?
એશિયા અને પેસિફિક: જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેટનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર.
યુરોપ: ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, પોલેન્ડ, રશિયા.
મિડલ ઈસ્ટ અને આફ્રિકા: UAE, કતાર, ઓમાન, કેન્યા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક.
આ વખતની સમિટમાં ભવિષ્યના ગ્લોબલ ઉદ્યોગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:
સેમિકન્ડક્ટર્સ: સાણંદમાં ભારતનું સૌથી વ્યસ્ત સેમિકન્ડક્ટર ક્લસ્ટર વિકસી રહ્યું છે. માઇક્રોન, કેન્સ સેમિકોન અને CG Power-Renesas જેવા મોટા પ્રોજેક્ટ્સ કાર્યરત અથવા પ્રગતિ હેઠળ છે. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMC દ્વારા ભારતનો પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવાની કામગીરી ચાલુ છે (ASML ટેક્નોલોજી પાર્ટનર).
ફિનટેક અને ડેટા સેન્ટર્સ: ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSCA હેઠળ) છે. અહીં 1,000થી વધુ સંસ્થાઓ, 20,000થી વધુ રોજગારી અને $100 અબજ ડૉલરથી વધુની અસ્કયામતોનું મેનેજમેન્ટ થાય છે.
ગ્રીન એનર્જી: ખાવડા (કચ્છ)માં 72,000 હેક્ટરમાં ફેલાયેલો 37 GW ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો સોલર-વિન્ડ હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક છે. ગુજરાત ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં લગભગ 18% ફાળો આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, “ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે રાજ્ય ભવિષ્યના ઉદ્યોગોમાં અગ્રેસર બનવા સજ્જ છે. ગુજરાત આજે આવતીકાલનું નિર્માણ કરી રહ્યું છે.”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, “સેમિકન્ડક્ટરથી લઈને બંદરો સુધીના ક્ષેત્રમાં ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી છે. રાજ્યમાં કરાયેલું દરેક રોકાણ સુરક્ષિત છે અને તેના પર યોગ્ય વળતરની પૂરતી ખાતરી છે.”
વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2024ની 10મી આવૃત્તિમાં 140થી વધુ દેશોના 61,000થી વધુ પ્રતિનિધિઓ અને 30થી વધુ પાર્ટનર દેશોએ ભાગ લીધો હતો. વર્ષ 2027નો ટાર્ગેટ નવી ટેકનોલોજી, કૌશલ્ય અને વૈશ્વિક ભાગીદારી સાથે આર્થિક વિકાસના નવા રેકોર્ડ સર્જવાનો છે.