વોડાફોન આઇડિયા (Vi) એ પોતાના ગ્રાહકો માટે ત્રણ નવા સસ્તા કૉલિંગ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનની શરૂઆત 142 રૂપિયાથી થાય છે. બાકીના બે પ્લાન 156 રૂપિયા અને 158 રૂપિયાના છે. કંપનીએ આ પગલું રિલાયન્સ જિયોના સસ્તા વોઇસ-ઓન્લી પ્લાન સામે સ્પર્ધા કરવા માટે ભર્યું છે.
આ પહેલા Vi એ 179, 185, 203 અને 206 રૂપિયાના ચાર કૉલિંગ પ્લાન રજૂ કર્યા હતા, જે એરટેલના પ્લાન સાથે મેળ ખાતા હતા. હવે નવા પ્લાન જિયોના પ્લાન સાથે સ્પર્ધા કરે તેવા લાગે છે. આમ Vi એ બંને સ્પર્ધકોના સસ્તા કૉલિંગ પ્લાનનો વિકલ્પ બજારમાં ઉતાર્યો છે.
Vi ના 142 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કૉલ્સ અને 300 SMS મળશે. આ પ્લાનમાં ડેટા મળશે નહીં. જે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા અથવા વધારાનો નંબર સક્રિય રાખવા માટે સસ્તું રિચાર્જ શોધે છે, તેમના માટે આ પ્લાન યોગ્ય છે.
156 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલ્સ અને 300 SMS મળશે, પરંતુ ડેટા મળશે નહીં.
158 રૂપિયાના પ્લાનમાં પણ ડેટા વિના અનલિમિટેડ કૉલ્સ અને 300 SMS મળશે. આ મંથલી પ્લાન છે. જો તમે મહિનાની 6 તારીખે રિચાર્જ કરાવશો, તો આગળનું રિચાર્જ પણ આવતા મહિનાની 6 તારીખે જ કરાવવું પડશે.
ઉલ્લેખનીય છે કે એરટેલે સૌથી પહેલા કૉલિંગ પ્લાન રજૂ કર્યા હતા, ત્યારબાદ Vi એ તેના પ્લાન એરટેલ સાથે મેળ ખાતા રાખ્યા હતા. પછી જિયોએ એરટેલ અને Vi કરતાં સસ્તા પ્લાન ઉતાર્યા. જિયોના પગલા પછી Vi એ આ ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. હવે Vi પાસે કુલ 9 કૉલિંગ પ્લાન છે, જે 25 દિવસથી લઈને 365 દિવસની વેલિડિટી સુધીના છે.