અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો તાજેતરમાં ભારત આવ્યા હતા. મુંબઈમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે બેઠક કર્યા પછી તેઓ સીધા જામનગરની રિલાયન્સ રિફાઈનરી ગયા. આ મુલાકાતને ડિપ્લોમેટિક પ્રવાસ નહીં, પણ શુદ્ધ બિઝનેસ મુલાકાત ગણવામાં આવે છે.
અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અડધી રાતે ઉપાડી લીધા બાદ હવે વોશિંગ્ટન ભારતને રિફાઈનિંગ સુપર પાવર ગણાવી રહ્યું છે. પરંતુ આ પ્રશંસા પાછળ એક લાલચ અને ભૂ-રાજનૈતિક ગેમ છુપાયેલી છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત, ખાસ કરીને રિલાયન્સ, વેનેઝુએલા પાસેથી વધુ ભારે ક્રૂડ ઓઇલ ખરીદે. વેનેઝુએલા એ જ દેશ છે જેના રાષ્ટ્રપતિને અમેરિકાએ અડધી રાતે ઉપાડી લીધા હતા અને હાલ તેઓ અમેરિકન જેલમાં છે.
આ મામલો ખરીદી પૂરતો સીમિત નથી. વોશિંગ્ટન ઈચ્છે છે કે ભારતીય ઓઇલ કંપનીઓ વેનેઝુએલાના ખંડેર બની ચૂકેલા ઓઇલ ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કરે. માદુરોને ઉપાડ્યા પછી અમેરિકા ત્યાંનું ઓઇલ ક્ષેત્ર ઊભું કરવા માગે છે, પણ પોતાની મૂડી જોખમમાં નાખ્યા વિના.
અમેરિકાની યોજના સ્પષ્ટ છે: વૈશ્વિક બજારમાં રશિયન ક્રૂડના વિકલ્પ તરીકે વેનેઝુએલાનું ઓઇલ લાવવું, જેથી રશિયાની અર્થવ્યવસ્થાને ફટકો પડે અને અમેરિકાને પરોક્ષ લાભ થાય. પરંતુ આની સીધી અસર ભારતના સામાન્ય માણસ અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે. જો ભારત રશિયન ક્રૂડ ઘટાડીને વેનેઝુએલાના અસ્થિર બજારમાં ઝંપલાવે તો પરિવહન અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર થઈ શકે છે. ગુજરાત કે ભારતના વેપાર-ઉદ્યોગ માટે આ ઓઇલ સોદો શેર બજારના સટ્ટા જેટલો જ જોખમી બની શકે છે.
ટ્રેડ થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના રિપોર્ટ પરોક્ષ રીતે કહે છે કે અમેરિકા પોતાના ભૂ-રાજનૈતિક હિતો અને નવેમ્બર 2026ની મિડટર્મ ચૂંટણીઓ જીતવા માટે ભારતનો ઉપયોગ કરી રહ્યું છે. એવું પૂછવું વાજબી છે કે અમેરિકાની ઘરેલું મજબૂરીઓ પૂરી કરવા ભારતે પોતાનું કેટલું લોહી રેડવું?
અહીં અમેરિકાએ ત્રણ અલગ બાબતોને ભેળવી દીધી છે: બજારમાં કાચું ક્રૂડ ખરીદવું, વેનેઝુએલાના પડી ભાંગેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું અને રશિયાને બાજુ પર કરવું. આ ત્રણેય વચ્ચે જમીન-આસમાનનો ફરક છે, દરેકના ખર્ચ અને જોખમો અલગ છે. તેથી ભારતે ખૂબ વિચારીને પગલાં લેવાં પડશે.
શું ભારતે એવી જોખમી રમતમાં સામેલ થવું જોઈએ જેમાં નુકસાનની ભરપાઈ માટે અમેરિકા કોઈ ગેરંટી લેવા તૈયાર નથી? શું મોદી સરકાર કે રિલાયન્સ લાંબા ગાળાની પ્રતિબદ્ધતિ આપતાં પહેલાં જોખમોનું વિશ્લેષણ કરશે?
અમેરિકા ભારતને ઊર્જા વૈવિધ્યીકરણની સલાહ આપી રહ્યું છે, પરંતુ સાચું એ છે કે ભારત પહેલેથી જ પોતાની રીતે મોટી ભૂ-રાજનૈતિક રમત રમી ચૂક્યું છે. ભારત પોતાની કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો 85 ટકા જેટલો હિસ્સો વિદેશથી આયાત કરે છે. વર્ષ 2025-26માં ભારતે વેનેઝુએલા પાસેથી 255 મિલિયન ડોલરનું ક્રૂડ ખરીદ્યું હતું. પરંતુ આ વર્ષે એપ્રિલ-ઓગસ્ટ 2026માં આ આંકડો વધીને 3.58 બિલિયન ડોલર થઈ ગયો છે. માત્ર પાંચ મહિનામાં વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની ખરીદીમાં આટલો મોટો વધારો થવાનું કારણ શું છે, તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જરૂરી છે.