સત્ય. સાહસ. સંકલ્પ.

વેનેઝુએલાનું 31,000 કિલો સોનું લંડનથી ન્યૂયોર્ક શિફ્ટ થવાની ચર્ચા, 4 અબજ ડોલરના રિઝર્વ પર કોનો હક?

વેનેઝુએલાનું 31,000 કિલો સોનું લંડનથી ન્યૂયોર્ક શિફ્ટ થવાની ચર્ચા, 4 અબજ ડોલરના રિઝર્વ પર કોનો હક?

આર્થિક સંકટમાં ઘેરાયેલા વેનેઝુએલા માટે એક મોટી ચર્ચા શરૂ થઈ છે. વેનેઝુએલા સરકાર અને વિપક્ષ વચ્ચે સેન્ટ્રલ બેંકના લગભગ 4 અબજ ડોલર (અંદાજે 38,000થી 40,000 કરોડ રૂપિયા)ના સોનાના રિઝર્વને બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી હટાવીને ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્કમાં ટ્રાન્સફર કરવા અંગે સમજૂતી થવાની ચર્ચા છે. જોકે, રોયટર્સે આ અહેવાલની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.

પ્રસ્તાવિત કરાર મુજબ, કાર્યવાહક સરકાર સંભાળી રહેલા ડેલસી રોડ્રિગ્ઝને આ સોના પર કાનૂની નિયંત્રણ મળે તેવી શક્યતા છે, પરંતુ તેઓ તરત જ આ ગોલ્ડ હોલ્ડિંગ્સ વેચી શકશે નહીં. આ સોનાનો ઉપયોગ સરકારી દેવાની ગેરંટી (કોલેટરલ) તરીકે થશે. આ ફંડનો ઉપયોગ જૂન મહિનામાં આવેલા વિનાશક ભૂકંપ પછી દેશના પુનઃનિર્માણ અને અનિયંત્રિત ફુગાવા સામે લડવા માટે થાય તેવી અપેક્ષા છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડે વર્ષોથી વેનેઝુએલાના લગભગ 31 મેટ્રિક ટન (31,000 કિલોગ્રામ) સોનું રોકી રાખ્યું છે. બ્રિટિશ બેંકની દલીલ છે કે તે નિકોલસ માદુરોની સરકારને કાયદેસર માનતી નથી. આ કેસ બ્રિટિશ અદાલતોમાં લાંબા સમયથી કાનૂની વિવાદમાં ઘેરાયેલો છે. જાન્યુઆરીમાં અમેરિકા દ્વારા માદુરોની ધરપકડ બાદ કાર્યવાહક પ્રમુખ ડેલસી રોડ્રિગ્ઝે કિંગ ચાર્લ્સને પણ આ સોનું મુક્ત કરવા વિનંતી કરી હતી.

બ્રિટિશ વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ કાનૂની કેસમાં પક્ષકાર નથી, કારણ કે બ્રિટનની અદાલતો અને બેંક ઓફ ઈંગ્લેન્ડ સરકારથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. બેંક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે જ્યાં સુધી બ્રિટિશ કોર્ટમાંથી સ્પષ્ટ આદેશ ન આવે કે આ ખાતા પર કોનો કાનૂની અધિકાર છે, ત્યાં સુધી તે કોઈ પગલું ભરી શકે નહીં.

હાલમાં ન્યૂયોર્ક સ્થિત ફેડરલ રિઝર્વ અને વેનેઝુએલાના અધિકારીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જો આ ડીલ પૂર્ણ થાય, તો તે વેનેઝુએલાની આર્થિક અને રાજકીય દિશા બદલવામાં મોટું પગલું સાબિત થઈ શકે છે.