સત્ય. સાહસ. સંકલ્પ.

વાહન સ્ક્રેપિંગ નિયમોમાં સુધારો: સરકારી વાહનો માટે અલગ જોગવાઈ હટાવવાની દરખાસ્ત

વાહન સ્ક્રેપિંગ નિયમોમાં સુધારો: સરકારી વાહનો માટે અલગ જોગવાઈ હટાવવાની દરખાસ્ત

ભારતમાં જૂનાં વાહનો માટે અલગ-અલગ નિયમો છે. નિયમોનું પાલન ન થાય તો કડક કાર્યવાહી થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમારગ મંત્રાલય સ્ક્રેપિંગ નીતિમાં સમયાંતરે ફેરફાર કરતું રહે છે. હવે સરકારી વાહનો માટેના નિયમોમાં ફેરફારની ચર્ચા છે.

મંત્રાલયે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ એક નવું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ડ્રાફ્ટ મુખ્યત્વે સરકારી વાહનોના સ્ક્રેપિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે છે. આ ફેરફારથી શું બદલાશે તે સમજીએ.

આ ડ્રાફ્ટ નોટિફિકેશન 2021ના મૂળ નિયમોમાં સુધારો કરવા માટે છે. તેમાં મૂળ નિયમોના નિયમ 10ના પેટાનિયમ (1)ના ખંડ (xiii)માં સુધારાની દરખાસ્ત છે. આ નાનો ફેરફાર મોટા પરિણામ લાવી શકે છે કારણ કે તેનાથી મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બદલાઈ શકે છે.

મંત્રાલયનો ઉદ્દેશ નિયમોને વધુ વ્યવહારુ બનાવવાનો છે, જેથી વાહનોને ભંગારમાં ફેરવતા નોંધાયેલા એકમોને કોઈ મુશ્કેલી ન થાય. આનાથી પ્રક્રિયામાં ટેકનિકલ સ્પષ્ટતા આવશે અને મૂંઝવણ ઘટશે.

નવા ડ્રાફ્ટની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમાં 'ગવર્નમેન્ટ-ઓન્ડ વ્હીકલ' શબ્દ હટાવવાની વાત છે. અગાઉના નિયમોમાં સરકારી વાહનો માટે અલગ જોગવાઈ હતી, જેથી તેમના નિયમો અલગ હતા. હવે આ જોગવાઈ દૂર થાય તો સરકારી અને ખાનગી વાહનોની સ્ક્રેપિંગ પ્રક્રિયા સમાન થઈ શકે છે. તેનાથી તમામ વાહનો માટે એકસરખા નિયમો લાગુ થશે અને સરકારી વિભાગો માટે પણ જૂનાં વાહનો સ્ક્રેપ કરાવવાની પ્રક્રિયા સરળ બનશે.

આ ફેરફાર લાગુ કરતા પહેલા સરકારે નાગરિકો અને ઓટોમોબાઈલ નિષ્ણાતો પાસેથી સૂચનો માંગ્યા છે. સત્તાવાર ગેઝેટમાં સૂચના જારી થયા પછી 30 દિવસનો સમય સૂચનો સબમિટ કરવા આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા લોકશાહી છે અને જાહેર અભિપ્રાયને ધ્યાનમાં લેવાની ખાતરી આપે છે. 30 દિવસ પછી મંત્રાલય પ્રાપ્ત થયેલા સૂચનોની સમીક્ષા કરશે અને પછી નિયમોને અંતિમ સ્વરૂપ આપી દેશભરમાં લાગુ કરશે.

નાગરિકો તેમના સૂચનો comments@morth@gov.in પર ઈમેલ દ્વારા મોકલી શકે છે. પોસ્ટ દ્વારા મોકલવા હોય તો અધિક સચિવ, પરિવહન, માર્ગ પરિવહન અને રાજમારગ મંત્રાલય, પરિવહન ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી-110001 ને સંબોધી શકે છે. સમયમર્યાદામાં મળેલા સૂચનો ધ્યાનમાં લીધા પછી જ સરકાર નીતિનું અંતિમ સ્વરૂપ જારી કરશે.