સત્ય. સાહસ. સંકલ્પ.

ચહેરા પર લગાવો આ 5 શાકભાજી, ટેનિંગ અને ડલનેસ થશે દૂર

ચહેરા પર લગાવો આ 5 શાકભાજી, ટેનિંગ અને ડલનેસ થશે દૂર

મોસમી શાકભાજી ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે, પરંતુ કેટલાક શાકભાજી ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. આ શાકભાજીમાં રહેલા પોષક તત્વો ત્વચાને અંદરથી ચમક આપે છે અને બહારથી સફાઈ કરે છે. અહીં 5 શાકભાજીની માહિતી આપવામાં આવી છે, જે ઘરે સહેલાઈથી ફેસ પેક તરીકે વાપરી શકાય છે.

1. બીટ: બીટમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ગુલાબી નિખાર આપવામાં મદદ કરે છે. બજારમાં બીટ પાવડર પણ મળે છે. તેની પેસ્ટ બનાવીને દહીં ભેળવીને ચહેરા પર લગાવો. બીટનો રસ પણ લગાવી શકાય. આ ફેસ પેક ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને મુલાયમ બનાવે છે.

2. કાકડી: કાકડી ત્વચાને ઠંડક આપે છે અને તાજગી આપે છે. તેનો રસ રૂ વડે ચહેરા પર લગાવો. ચંદન પાવડર અને હળદર સાથે કાકડીનો રસ ભેળવીને પણ ફેસ પેક બનાવી શકાય. આંખો પર છીણેલી કાકડી રાખવાથી ઠંડક મળે છે, આંખોનો થાક દૂર થાય છે અને ડાર્ક સર્કલ ઓછા થવામાં મદદ મળે છે.

3. ટામેટાં: ટેનિંગને કારણે ડલનેસ આવી હોય તો ટામેટાં ઉપયોગી છે. તેમાં વિટામિન-C, લાઇકોપીન અને કુદરતી એસિડ હોય છે, જે ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ કરે છે. ડેડ સેલ્સ અને વધારાનું ઓઇલ દૂર થાય છે. તે ડાઘ-ધબ્બા, ખીલ, પિગમેન્ટેશન અને ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે. ટામેટાંને સીધા ચહેરા પર લગાવો અથવા ચપટી હળદર સાથે ભેળવીને લગાવો.

4. બટાકા: બટાકાની સ્લાઇસ કરીને ચહેરા પર મસાજ કરો અથવા તેનો રસ કોટન બોલની મદદથી લગાવો. તે ડાઘ-ધબ્બા અને ટેનિંગ ઓછા કરવામાં તથા કુદરતી ગ્લો લાવવામાં મદદ કરે છે. ડેડ સ્કિન સેલ્સ હોય તો ચોખાના લોટ અને એલોવેરા સાથે બટાકાનો રસ ભેળવીને લગાવો.

5. ગાજર: ગાજર વિટામિન-A થી ભરપૂર છે. તે ખાવાથી ત્વચા ચમકે છે અને લગાવવાથી પણ ફાયદો થાય છે. ગાજરને બાફીને મેશ કરી દહીં સાથે ભેળવીને લગાવો. તેનાથી ટેનિંગ દૂર થાય છે અને ત્વચા ઊંડાણપૂર્વક સાફ થાય છે. ગાજર છીણીને તેનો રસ પણ લગાવી શકાય, જે ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચાની પ્રકૃતિ ધ્યાનમાં રાખો અને જરૂર પડે તો ત્વચા નિષ્ણાતની સલાહ લો.