સત્ય. સાહસ. સંકલ્પ.

વેદાંતા ઝામ્બિયામાં આફ્રિકાનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર બનાવશે, ઉત્પાદન 70,000 ટન વધશે

વેદાંતા ઝામ્બિયામાં આફ્રિકાનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર બનાવશે, ઉત્પાદન 70,000 ટન વધશે

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની વેદાંતા રિસોર્સિસ ઝામ્બિયામાં આફ્રિકા ખંડનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર બનાવવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી કંપનીની વાર્ષિક તાંબા ઉત્પાદન ક્ષમતા 70,000 ટન વધશે.

કોનકોલા કોપર માઇન્સ (KCM) એ 17 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેઓ ઝામ્બિયામાં નવો સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટ આફ્રિકામાં આ પ્રકારનો સૌથી મોટો પ્લાન્ટ હશે. પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચીની એન્જિનિયરિંગ જૂથ NERIN ને સોંપવામાં આવ્યું છે. જોકે આ કરાર હજુ શરતો અને એડવાન્સ પેમેન્ટની પ્રક્રિયા પર આધારિત હોવાથી સંપૂર્ણપણે લાગુ થયો નથી. પ્લાન્ટનો ખર્ચ કેટલો થશે અને તે ક્યારે તૈયાર થશે તે અંગે કંપનીએ હજુ સ્પષ્ટતા કરી નથી.

આ ખાણનું સંચાલન અને અંકુશ અનિલ અગ્રવાલ પાસે છે. તેમની લંડન રજિસ્ટર્ડ કંપની વેદાંતા રિસોર્સિસની પેટાકંપની કોપરટેક મેટલ્સ મારફતે કોનકોલામાં 79.4 ટકા હિસ્સેદારી છે. બાકીનો 20.6 ટકા હિસ્સો ઝામ્બિયા સરકારની માઇનિંગ ઇન્વેસ્ટમેન્ટ કંપની ZCCM ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ્સ ધરાવે છે.

નવા સ્મેલ્ટરની જાહેરાત કોનકોલા સ્મેલ્ટર ફરી શરૂ થયાના થોડા જ દિવસોમાં કરવામાં આવી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સરહદ નજીક કોપરબેલ્ટ પ્રાંતના ચિંગોલા ખાતેના નચાંગા પ્લાન્ટમાં 106 દિવસના શટડાઉન બાદ 21 સપ્ટેમ્બરે પ્રથમ એનોડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ 29 મેના રોજ માત્ર 60 દિવસના નવીનીકરણ માટે બંધ કરાયો હતો, પરંતુ કામ લંબાતાં તે નિર્ધારિત સમય કરતાં 46 દિવસ વધુ બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઝામ્બિયા સરકારે 2019માં વેદાંતા પાસેથી આ ખાણ લઈ લીધી હતી અને કોનકોલાને પ્રોવિઝનલ લિક્વિડેશનમાં મૂકી દીધી હતી. તે સમયે કંપની પર વિસ્તરણ યોજનાઓ અંગે ખોટી વિગતો આપવાનો અને ઓછો ટેક્સ ચૂકવવાનો આરોપ મૂકાયો હતો. આ મુદ્દે સરકાર અને કંપની વચ્ચે પાંચ વર્ષ સુધી કાનૂની સંઘર્ષ ચાલ્યો. 2024માં કોર્ટ દ્વારા માન્ય યોજના હેઠળ લેણદારોને આશરે 246 મિલિયન ડોલર ચૂકવવાની સહમતિ બાદ વેદાંતાને ખાણનો અંકુશ પાછો સોંપાયો હતો.

ખાણ પાછી મેળવતી વખતે વેદાંતાએ આગામી પાંચ વર્ષમાં ઓપરેશન સુધારવા અને દેવું ચૂકવવા માટે 1.2 અબજ ડોલરથી વધુ ખર્ચવાનું વચન આપ્યું હતું. સંચાલન સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં કંપનીએ 40 કરોડ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જેમાં લેણદારોનું દેવું ચૂકવવા માટે 25 કરોડ ડોલર અને 12.4 કરોડ ડોલરનો અન્ય હપ્તો સામેલ છે.

વેદાંતાએ નવેમ્બર 2025માં અમેરિકામાં કોપરટેક મેટલ્સ કંપની લોન્ચ કરી હતી. કોપરટેક મેટલ્સના જણાવ્યા અનુસાર વેદાંતાએ 2004થી અત્યાર સુધીમાં આશરે 3 અબજ ડોલર ખર્ચ્યા છે અને હવે વધુ 1.5 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના છે.

ઝામ્બિયા સરકાર આ પ્રોજેક્ટથી મોટી અપેક્ષાઓ રાખી રહી છે. રાષ્ટ્રપતિ હાકાઇન્દે હિચિલેમાએ 10 સપ્ટેમ્બરે વેદાંતાને ખાણ માટે પોતાના વીજ ઉત્પાદનનું કામ ઝડપથી પૂરું કરવા તાકીદ કરી હતી. સરકારનો લક્ષ્યાંક આગામી 10 વર્ષમાં દેશનું તાંબા ઉત્પાદન વાર્ષિક 30 લાખ ટન સુધી પહોંચાડવાનો છે.