વાવ અને થરાદ પંથકના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે આજે (29 ઓક્ટોબર)થી વાવ-થરાદ વિસ્તારમાં 2 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ઘાસ વિતરણ માટેના ડેપોનો પ્રારંભ કર્યો છે.
છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં પશુપાલકો ઘાસચારાની અછત અંગે સતત રજૂઆતો કરી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. પશુપાલકોના હિતમાં કરાયેલી આ રજૂઆતને ગંભીરતાથી લઈને સરકારે સબસિડીના ભાવે ઘાસ વિતરણનો નિર્ણય લીધો છે.
હવે પશુપાલકોને મોંઘા ભાવનો ઘાસચારો ખરીદવાની ફરજ નહીં પડે. 2 રૂપિયાના રાહત દરે ઘાસ ઉપલબ્ધ થતાં પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોને આર્થિક ટેકો મળશે. સરકારી ડેપો શરૂ થતાં સ્થાનિક પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.