સત્ય. સાહસ. સંકલ્પ.

વાવ-થરાદમાં 1,000 સ્ટાર્ટઅપ માટે શંકર ચૌધરીની જાહેરાત, લોનની ગેરંટી પોતે લેશે

વાવ-થરાદમાં 1,000 સ્ટાર્ટઅપ માટે શંકર ચૌધરીની જાહેરાત, લોનની ગેરંટી પોતે લેશે

થરાદ વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાવ-થરાદ જિલ્લામાં 1 હજાર સ્ટાર્ટઅપ તૈયાર કરવાના સંકલ્પની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકાર 45 ટકા સબસિડી આપશે.

કાર્યક્રમની વિગતો આપતા શંકર ચૌધરીએ કહ્યું કે આ વિસ્તારના યુવાનો પોતાનો વ્યવસાય કે નવી પહેલ શરૂ કરવા માટે લોન લેવા માંગે તો તમામ સ્ટાર્ટઅપ માટે લોનની ગેરંટી તેઓ પોતે લેશે. આ અભિયાનને સફળ બનાવવા માટે તેમણે વાવ-થરાદ જિલ્લાના તમામ ધારાસભ્યોને પણ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક ઉપાડી લેવા વિશેષ હાંકલ કરી હતી.

સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે 45 ટકા સુધીની આકર્ષક સબસિડીની જાહેરાત કરવામાં આવતાં સમગ્ર પંથકના યુવાવર્ગ અને ઉદ્યોગસાહસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રયાસથી ઉત્તર ગુજરાતના પછાત ગણાતા વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. આગામી સમયમાં આ સ્ટાર્ટઅપ નીતિ સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં અને યુવાનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થશે.