વાવ-થરાદના માવસરી-બાખાસર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઊભી રહેલી સળગતી ટ્રક પાછળ બે સ્વિફ્ટ કાર ઘૂસી જતાં રાજસ્થાનના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે.
મળેલી માહિતી મુજબ, આ અકસ્માતના એક દિવસ પહેલાં રાત્રિના સમયે મગફળીનું ભૂસું ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ બુઝાયા બાદ ટ્રક બિનવારસી હાલતમાં રસ્તા પર જ પડી રહી હતી.
13 નવેમ્બરની રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે પૂરઝડપે આવી રહેલી બે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર શંકરા રામ ગણેશરામ દેવાસી (રહે. બોરલા, સેડવા, બાડમેર, રાજસ્થાન)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે વહીવટી તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમનું કહેવું છે કે સળગેલી ટ્રક લાંબા સમય સુધી રસ્તા પર પડી રહેતાં આ ગંભીર બનાવ બન્યો.