વાવ-થરાદ તાલુકાના ખાનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી ખેતીની સિઝન નિષ્ફળ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મહિનાઓથી પાણી ભરાયેલું હોવાથી રવિ વાવણી પર પણ સંકટના વાદળ છવાયા છે. ખેતરોમાં પાકના બદલે મોટાપાયે પાણી પથરાયેલું જોવા મળે છે.
ખાનપુર પંથકના સાત ગામોના ખેતરોમાં ભરાયેલું પાણી ઓસરવાનું નામ લેતું નથી. ખેડૂતોએ જણાવ્યું કે, આ વિસ્તારની ખારાશવાળી જમીનને કારણે પાણીનો કુદરતી નિકાલ ધીમો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાયેલું રહે છે. પરિણામે ખરીફ સિઝનની ખેતી પર ગંભીર અસર પડી છે અને હવે રવિ વાવણી પણ સમયસર નહીં થાય તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં જમીનની ફળદ્રુપતા અને ક્ષારતા અંગે પણ ખેડૂતો ચિંતિત છે. ખેતરોમાં પાક નહીં હોવાથી પશુધન માટે ઘાસચારાની સમસ્યા પણ ઊભી થઈ છે. ખેડૂતોની માગ છે કે, તંત્ર તાત્કાલિક પંપની મદદથી પાણીનો નિકાલ કરાવે અને કાયમી ઉકેલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરે.
આકાશમાંથી લેવાયેલી તસવીરોમાં ખેતરોમાં ભરાયેલું પાણી અને ખેડૂતોની મુશ્કેલી સ્પષ્ટ દેખાય છે. જો પાણી ઓસરે તો જ ફરી ખેતરમાં ખેતી થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.