સત્ય. સાહસ. સંકલ્પ.

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં ઘાસચારો

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં ઘાસચારો

વાવ-થરાદ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે. સ્થાનિક સ્તરે ઘાસચારાની ઉપલબ્ધતા ઘટી હતી, જ્યારે બહારથી મંગાવવામાં આવતો ઘાસચારો ઊંચા ભાવે વેચાતો હોવાથી પશુપાલકોને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો હતો. પશુઓના નિભાવ માટે દરરોજ ઘાસચારાની વ્યવસ્થા કરવી પશુપાલકો માટે પડકારરૂપ બની હતી.

આ પરિસ્થિતિમાં પશુપાલકોને રાહત આપવા માટે રાજ્ય સરકારે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેના પગલે થરાદ અને રાહ તાલુકામાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.

આ કેન્દ્રો પર પાત્રતા ધરાવતા પશુપાલકોને ઘાસ કાર્ડ આપવામાં આવે છે. ઘાસ કાર્ડના આધારે તેઓ નિર્ધારિત નિયમો મુજબ ઘાસચારો મેળવી શકે છે.

કેન્દ્રો પરથી પશુપાલકોને પ્રતિ કિલો માત્ર રૂ. 2ના ભાવે ઘાસચારો આપવામાં આવશે. નિયમ મુજબ એક પશુ દીઠ દરરોજ 4 કિલો ઘાસચારો મળશે અને વિતરણ 15 દિવસ ચાલશે. એક પશુપાલક વધુમાં વધુ પાંચ પશુ માટે ઘાસચારો મેળવી શકશે. એટલે કે પાંચ પશુ ધરાવતા પશુપાલકને દરરોજ કુલ 20 કિલો ઘાસચારો મળી શકશે.

બજારમાં ઊંચા ભાવે ઘાસચારો ખરીદવાની મજબૂરી વચ્ચે સરકારી કેન્દ્રો પરથી સસ્તા ભાવે ઘાસચારો મળતાં પશુપાલકોને આર્થિક રાહત થઈ રહી છે. પશુધનના નિભાવ પાછળ થતો ખર્ચ ઘટાડવામાં આ વ્યવસ્થા મદદરૂપ બનશે અને પશુઓ માટે સમયસર ચારો મેળવવાની મુશ્કેલી પણ હળવી થશે.