વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના 40થી વધુ ખેડૂતોની જમીનમાં ગત ચોમાસામાં ભરાયેલું પાણી આજે પણ યથાવત્ છે. એક પૂરું વર્ષ વીતી ગયું, વચ્ચે બીજું ચોમાસું પણ આવ્યું અને ગયું, પણ ખેતરોમાંથી પાણી નીકળ્યું નથી. પરિણામે આ ખેડૂતો સતત ત્રણ પાક સિઝનથી ખેતી કરી શક્યા નથી.
ખેતરોમાં ભરાયેલું પાણી હવે કાદવમાં ફેરવાઈ ગયું છે. તેના કારણે અસહ્ય દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગામલોકોમાં આરોગ્યની ચિંતા પણ વધી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાણી નિકાલ માટે વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી.
ખેતી બંધ થઈ જવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. પાક ધિરાણ, વીજળીના બિલ, બાળકોના અભ્યાસ અને ઘરખર્ચ માટે પૈસા ક્યાંથી લાવવા, તે મોટો સવાલ છે. જમીનનો મોટો હિસ્સો ખેતીલાયક રહ્યો નથી, જેની સીધી અસર તેમની આજીવિકા પર પડી છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાંથી અલગ થઈને વાવ-થરાદ જિલ્લો બન્યાને પણ એક વર્ષ પૂરું થયું છે. નવા જિલ્લા તંત્ર સામે પણ ખેડૂતોની એક જ માંગ છે – આશ્વાસન નહીં, પણ જમીન પરથી પાણીનો નિકાલ. કાગળ પરની કાર્યવાહી નહીં, પણ જમીન ખેતીલાયક બને તેવું ઠોસ પગલાં.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા ડ્રેનેજ વ્યવસ્થા અને પાણીના નિકાલ માટેની યોગ્ય ગોઠવણના અભાવે ઊભી થઈ છે. ખેડૂતોને આશા છે કે નવું જિલ્લા તંત્ર તેમની વેદના સાંભળશે અને ખેતરો ખાલી કરાવશે, જેથી તેઓ ફરી ખેતી કરી શકે.