અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ઇન્સાનિયતનગર ચાર માળિયામાં બહેન અને બનેવી વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડીને સમજાવટ કરનાર સાળા પર બનેવીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 22 ઓક્ટોબરના રોજ સાંજે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વટવા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા અને છૂટક મજૂરી કરતા 24 વર્ષીય ગગન ઉર્ફે માયા નારણભાઈ કાનજીભાઈની બહેન આશાબેન (35)ના પતિનું ચારેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ આશાબેને ઇન્સાનિયતનગર ચાર માળિયામાં જ રહેતા શાહબાઝ ઉર્ફે બોબડો સાઓ અનવરખાન પઠાણ (30) સાથે પુનઃલગ્ન કર્યા હતા.
22 ઓક્ટોબરના રોજ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ શાહબાઝ અને આશાબેન વચ્ચે બ્લોકની નીચે ઝઘડો અને બોલાચાલી થઈ રહ્યા હતા. આ જોઈને ગગન ત્યાં પહોંચ્યો હતો અને બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ વાતથી ઉશ્કેરાયેલા શાહબાઝે ગાળો ભાંડી હતી અને 'તું અમારી વચ્ચે કેમ પડે છે?' કહીને ઝઘડો કર્યો હતો. ઝઘડો વધુ ન વધે તે માટે ગગન ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારપછી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ગગન વટવા ઉમંગ ફ્લેટ પાસે આવેલી મેડિકલ દુકાનના પગથિયા પાસે એકલો બેઠો હતો. તે સમયે શાહબાઝ અચાનક ત્યાં ધસી આવ્યો હતો. તેના હાથમાં છરી હતી અને તે એકદમ ઉશ્કેરાયેલો હતો. શાહબાઝે ગગનને જાનથી મારી નાખવાના ઇરાદે છરીથી હુમલો કર્યો હતો. ગગન ખસી જતાં છરીનો ઘા તેના ડાબા કાનના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ શાહબાઝે બીજો ઘા જમણા હાથના બાવડાના ભાગે ઝીંકી દીધો હતો. ગગને બૂમાબૂમ કરતાં શાહબાઝ ત્યાંથી ભાગી ગયો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગગનને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ સમગ્ર મામલે વટવા પોલીસે હુમલાખોર શાહબાઝ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.