સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ: વજન ઘટાડવા સૌના બાથ લેતાં ભારતીય ખેલાડી બેભાન, ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર

એશિયન ગેમ્સ: વજન ઘટાડવા સૌના બાથ લેતાં ભારતીય ખેલાડી બેભાન, ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર

ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ખેલાડી વરુણ સાન્યાલ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. 77 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલ પહેલાં તેમને તબીબી રીતે અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા.

મુકાબલા પહેલાં વજન ઘટાડવા માટે સૌના બાથ લેતી વખતે તેમની તબિયત બગડી ગઈ અને તેઓ બેભાન થઈ પડ્યા. એક નેપાળી ખેલાડીએ તેમને જોયા અને મેડિકલ ટીમ સુધી પહોંચાડવામાં મદદ કરી.

ઘટનાની જાણ થતાં MMA ઇન્ડિયાના અધ્યક્ષ નિખિલ કુન્દર અને ભારતીય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ડોક્ટરોએ વરુણની તપાસ કરી અને તેમને મુકાબલા માટે અનફિટ જાહેર કર્યા. આ કારણે તેઓ 77 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં રમી શક્યા નહીં. તેમની ક્વાર્ટર ફાઇનલ બહેરીનના મુખમ્મદ નબીયેવ સામે થવાની હતી. વરુણને પ્રિલિમિનરી રાઉન્ડમાં બાય મળ્યો હતો, તેથી તેઓ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.

27 વર્ષીય વરુણ સાન્યાલ યુ.કે.માં પ્રેક્ટિસ કરે છે. લંડનથી નાગોયા સુધીની તેમની સફર લાંબી હતી. તેઓ લંડનથી મુંબઈ અને ત્યારબાદ સિંગાપોર થઈને જાપાન પહોંચ્યા હતા. નાગોયા પહોંચ્યા બાદ એક્રેડિટેશન સંબંધિત તકનીકી સમસ્યાને કારણે તેમને ગેમ્સ વિલેજમાં રૂમ મળવામાં 10 કલાકથી વધુ સમય લાગી ગયો.

રૂમ મળ્યા બાદ પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા, તેના પર અન્ય બે ભારતીય ખેલાડીઓએ પણ દાવો કર્યો હતો. આ કારણે તેમને આરામ માટે મળતો સમય વધુ ઘટી ગયો.

વરુણે મીડિયાને કહ્યું, ‘જ્યારે હું આખરે મારા રૂમમાં પહોંચ્યો અને પથારી પર પડ્યો, ત્યારે મારું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું.’ ડોક્ટરોની મેડિકલ ક્લિયરન્સ ન મળવાને કારણે વરુણ 77 કિગ્રા વર્ગની ક્વાર્ટરફાઇનલમાં ઉતરી શક્યા નહીં. આ રીતે તેમનું એશિયન ગેમ્સ અભિયાન મુકાબલો રમ્યા વિના જ સમાપ્ત થઈ ગયું.