૨૦૨૬ એશિયન ગેમ્સનો આરંભ ૧૯ સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. પુરુષોની ક્રિકેટ સ્પર્ધા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પહેલાં ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાનો વિષય ઊભો થયો છે. સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ તેના વિકલ્પની તૈયારી શરૂ કરી દીધી છે.
વરુણને અફઘાનિસ્તાન સામેની ટી૨૦ શ્રેણી દરમિયાન સાઈડ સ્ટ્રેનની ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તે અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર થયો હતો. હવે તે એશિયન ગેમ્સની ટીમમાંથી પણ બહાર થવાની શક્યતા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું છે કે વરુણ લાંબા સમય માટે બહાર થઈ ગયો છે. તેના વિકલ્પ તરીકે કુલદીપ યાદવ અને વિપ્રજ નિગમ — એમ બે નામ સામે આવ્યા છે. કુલદીપ આ જ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની વનડે શ્રેણીમાં રમનાર હોવાથી એશિયન ગેમ્સમાં ન રમે તેવી શક્યતા છે. તેથી વિપ્રજ નિગમને વરુણના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવી શકે છે.
વિપ્રજ નિગમ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે અને લેગ-સ્પિન બોલિંગ કરે છે. તેણે અત્યાર સુધીની ૩૩ ટી૨૦ મેચમાં ૩૪ વિકેટ ઝડપી છે. તે જરૂર પડ્યે બેટિંગ પણ કરી શકે છે. ટી૨૦ કરિયરમાં તેના નામે ૨૪૪ રન છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૩૯ રનનો રહ્યો છે.
૧૩ સપ્ટેબરે અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી૨૦ મેચ રમાઈ હતી. તે મેચમાં વરુણે ચાર ઓવરમાં ફક્ત ૧૬ રન આપ્યા હતા અને એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. મેચ બાદ કરાયેલા એમઆરઆઈ સ્કેનમાં તેને સાઈડ સ્ટ્રેનની ઈજા હોવાનું જણાયું હતું.
એશિયન ગેમ્સની પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં કુલ ૧૦ દેશો ભાગ લેશે. સીડ સિસ્ટમના કારણે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને સીધો ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. ટીમ ઈન્ડિયાની ક્વાર્ટરફાઈનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે.