ભારતીય રેલવેએ મુસાફરો માટે એક ઉપયોગી નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસના રૂટ અને સ્ટોપેજને મંજૂરી આપી છે. આનાથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત વચ્ચે આવ-જા કરતા મુસાફરોને રાહત થશે.
ટ્રેન નંબર 12205/12206 વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ મિર્ઝાપુર, સુબેદારગંજ (પ્રયાગરાજ), ગોવિંદપુરી, ટૂંડલા, ઈદગાહ આગરા, ભરતપુર, બાંદીકુઈ, જયપુર, કિશનગઢ, અજમેર, પાલનપુર, ગાંધીનગર અને મહેસાણા સ્ટેશન પર થઈને પસાર થશે. આમ કુલ 13 સ્ટોપેજને મંજૂરી મળી છે.
ટ્રેન નંબર 12206 વારાણસી જંકશનથી સાંજે 5:30 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સાંજે 8:15 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે. તેમજ ટ્રેન નંબર 12205 સાબરમતી-વારાણસી રિટર્ન ટ્રેન સાબરમતી સ્ટેશનથી સવારે 5:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે વારાણસી જંકશન પહોંચશે.
રેલવે પ્રશાસને આ ટ્રેન માટે 22 કોચવાળો એલએચબી રેક ફાળવ્યો છે. ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ વારાણસીમાં થશે, જ્યારે મુસાફરી દરમિયાન ગોવિંદપુરી, ટૂંડલા અને જયપુર સ્ટેશન પર ડબ્બામાં પાણી ભરવાની સુવિધા આપવામાં આવશે.