વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં આવેલા રામનગરની સાંઈ રેસિડેન્સીના પાર્કિંગમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલી કિયા કારે અઢી વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના અને હાલ વાપીના છીરી વિસ્તારમાં આવેલા રામનગરની સાંઈ રેસિડેન્સીમાં રહીને નોકરી કરતા રૂપેન્દ્ર કેશર કેશીનો અઢી વર્ષનો દીકરો ધીરજ ગત બુધવારે બપોરે આશરે 2:30 વાગ્યે બિલ્ડિંગના પાર્કિંગ ગેટ પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન કિયા કાર નંબર GJ-15-CM-7147 ના ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી બાળકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ધીરજના કપાળની જમણી બાજુ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતા ઉબેદ ખાન લોહીલુહાણ હાલતમાં પડેલા બાળકને બર્ગમેન મોટરસાઇકલ પર બેસાડીને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ ધીરજને મૃત જાહેર કર્યો હતો. અઢી વર્ષના પુત્રના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. માતા-પિતા સહિત પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવ અંગે મૃતક બાળકના પિતા રૂપેન્દ્ર કેશર કેશીએ વાપી ટ્રાફિક પોલીસ મથકે પહોંચીને કિયા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી BNSS તથા મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કારચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.