સત્ય. સાહસ. સંકલ્પ.

વાપી GIDCમાં સ્નેક કેચરે સાપને મોંથી શ્વાસ આપી બચાવ્યો, કેમિકલવાળું પાણી પીને થયો હતો બેભાન

વાપી GIDCમાં સ્નેક કેચરે સાપને મોંથી શ્વાસ આપી બચાવ્યો, કેમિકલવાળું પાણી પીને થયો હતો બેભાન

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં આવેલી ઇન્ડિયા ગિલેટ કંપનીના ETP પ્લાન્ટ પાસે 5 ફૂટ લાંબો બિન-ઝેરી ધામણ સાપ કેમિકલવાળા પાણીના સંપર્કમાં આવી જવાથી બેભાન થઈ ગયો હતો અને તેના શ્વાસ અટકી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ સ્નેક કેચર સંજય પવાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે શ્વાસ માટે તરફડતા સાપને જોઈને પોતાના જીવનું જોખમ ખેડીને મોં વડે CPR (કૃત્રિમ શ્વાસ) આપવાનું શરૂ કર્યું હતું. તેમના સતત પ્રયાસોને કારણે સાપના શ્વાસ ફરી ચાલુ થયા અને તેને નવજીવન મળ્યું હતું.

હાલ સાપને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને વનવિભાગની મદદથી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવશે.

જોકે, કેમિકલયુક્ત પાણીથી અસરગ્રસ્ત અને જંગલી ખોરાક ખાતા સાપને સીધા મોં વડે CPR આપવાને કારણે સંજય પવારને પણ ચેપ કે એલર્જીનું જોખમ છે. તેથી તેમને 24 કલાક તબીબી દેખરેખ હેઠળ રહેવાની સલાહ આપવામાં આવી છે.

સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ સંજય પવારની આ હિંમત અને જીવદયાની પ્રશંસા કરી છે.