વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. સ્નેક કેચર સંજય પવારે એક બેહોશ સાપને સીપીઆર આપીને તેનો જીવ બચાવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ, વાપી જીઆઈડીસીમાં કેમિકલ રિએક્શનના કારણે સાપ બેહોશ થઈ ગયો હતો. તેના પેટમાં પાણી ભરાઈ જવાને કારણે તેની હાલત ગંભીર બની હતી. આ સ્થિતિમાં સંજય પવારે પોતાના જીવના જોખમે સાપને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપ્યું. આ પ્રક્રિયા દરમિયાન ઇન્ફેક્શન લાગવાનું મોટું જોખમ હતું, છતાં તેમણે સાપનો જીવ બચાવવા પૂરા પ્રયાસો કર્યા. આ કામમાં ઇન્ડિયા જિલેટિન કંપનીના કર્મચારીઓએ પણ તેમને મદદ કરી હતી.
સીપીઆર આપ્યા બાદ સાપ ધીમે ધીમે ભાનમાં આવ્યો. તેની સ્થિતિ સુધરતા તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો. જોકે, સાપના સંપર્કમાં આવવાથી ઇન્ફેક્શનનો ભય હોવાથી સંજય પવારને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના માનવતા અને પ્રાણી પ્રેમનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પર લોકો સંજય પવારની હિંમત અને સેવાભાવની પ્રશંસા કરી રહ્યા છે.