વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં જ્વેલર પર છરીથી જીવલેણ હુમલો કરનાર પંજાબના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને બુધવારે વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 8 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, વાપી ટાઉનની મહાત્મા ગાંધી માર્કેટમાં આવેલા અભિષેક જવેલર્સના સંચાલક લલીત મોતીલાલ જૈન પર મંગળવારે (17 નવેમ્બર) બપોરના સમયે ત્રણ શખસોએ છરી વડે શરીરના જુદા જુદા ભાગો પર સાતથી વધુ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ ભાગવાનો પ્રયાસ કરતા ફરિયાદીએ બૂમ પાડતાં આસપાસના લોકોએ ત્રણમાંથી એક આરોપી લવપ્રીત નિર્મલસિંગ (30, રહે. ચૌઘાગામ, અમૃતસર, પંજાબ)ને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. વાપી એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમોએ ફરાર બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાના અંદાજે અઢી કલાકમાં સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી બાકીના બે આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવ સિંગ (35) અને અમોલક બક્ષીસ સિંગ (30)ને સુરત રેલવે સ્ટેશનની બહારથી દબોચી લેવાયા હતા. બંને આરોપીઓ વરિંગ સુબાગામના રહેવાસી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જ્વેલર સંચાલક લલીત જૈન પાસે અગાઉ રૂ. 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જેનો તેમણે ઇન્કાર કર્યો હતો. આ પછી દુબઈથી મુખ્ય સૂત્રધારે આરોપીઓને ડરાવવા માટે હુમલાની સોપારી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દુબઈની જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને રોહિત ગોદારા ગેંગના સાગરિત ગણાતા હરજીન્દર ઉર્ફે હેરી ઢીલ્લોએ આ હુમલાની સોંપણી કરી હતી.
મળતી માહિતી અનુસાર, આ ગુનાને અંજામ આપવા બદલ આરોપીઓને રૂ. 50-50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ત્રણેય આરોપી ગત 12 નવેમ્બરે અમૃતસરથી ટ્રેન મારફતે વાપી પહોંચ્યા બાદ એક ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ ભાડે મોપેડ લઈને તેમણે જ્વેલર સંચાલકની રેકી કરી હતી અને મંગળવારે હુમલો કરીને ગુનાને અંજામ આપ્યો હતો.
પોલીસને અપેક્ષા છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે, જેનાથી આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.