વલસાડ જિલ્લાના વાપી શહેરના મહાત્મા ગાંધી માર્કેટ શોપિંગ સેન્ટરમાં અભિષેક જ્વેલર્સના સંચાલક પ્રદીપ જૈનના નાના ભાઈ પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ₹5 કરોડની ખંડણી માંગવાના ઇરાદે કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કાવતરું દુબઈની જેલમાં ઘડાયું હતું. મૂળ પંજાબના માનસાનો રહેવાસી હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન દુબઈથી આ નેટવર્ક ચલાવે છે. જેલમાં કેદ દરમિયાન તેનો જુગરાજ ઉર્ફે યુવરાજ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ વાપીના સોનાના વેપારી પાસેથી ₹5 કરોડની ખંડણી વસૂલવાનું કાવતરું ઘડાયું હતું. આ કામ માટે દરેક આરોપીને ₹50 હજાર આપવાનું નક્કી થયું હતું.
આ પગલે પંજાબના રહેવાસી લવપ્રીતસિંહ, જુગરાજ ઉર્ફે યુવરાજ અને અમોલકસિંહ 13 નવેમ્બરે ટ્રેન દ્વારા વાપી આવ્યા હતા અને એક ગેસ્ટ હાઉસમાં રોકાઈને વેપારીની રેકી કરી હતી. 17 નવેમ્બરે બપોરે જ્યારે જ્વેલર્સના સંચાલકના નાના ભાઈ શોપિંગ સેન્ટરના જનરલ વોશરૂમમાંથી બહાર આવીને દરવાજો લોક કરી રહ્યા હતા, ત્યારે લવપ્રીતસિંહ અને અમોલકસિંહે છરા અને કોયતા જેવા ધારદાર હથિયારોથી તેમના ગળા અને પીઠ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્રીજા આરોપી જુગરાજે હુમલાનો વીડિયો ઉતારીને દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલી આપ્યો હતો.
રેન્જ આઇજી પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓ પંજાબના રહેવાસી છે. જુગરાજસિંહ અને અમોલકસિંહ તરનતારન જિલ્લાના છે, જ્યારે લવપ્રીતસિંહ અમૃતસર જિલ્લાના છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જુગરાજસિંહ દુબઈમાં રહેતા હરજિંદરસિંહ ઉર્ફે હેરીના સંપર્કમાં હતો. હરજિંદરસિંહે વાપીના જ્વેલર્સને ખંડણી માંગવાનો કોલ કર્યો હતો અને જ્યારે તેમણે ના પાડી દીધી, ત્યારે તેમને ડરાવવા માટે આ ત્રણેય સાગરીતોને વાપી મોકલવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને વાપી ટાઉન પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ તપાસ, સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે વાપી અને સુરતમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ વલસાડ SOGના પીઆઇ ડી.ડી. પરમારની ટીમ 8 દિવસના રિમાન્ડ દરમિયાન દુબઈથી ચાલતા નેટવર્ક અને અન્ય સાગરીતો અંગે પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે વાપીના સ્થાનિક વેપારી આલમમાં ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમને ICUમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.