ગુજરાતના વલસાડ જિલ્લામાં ડ્રગ્સ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ એ.એન.ડબલ્યુ. (ANW), એસ.ઓ.જી. (SOG) અને ડુંગરા પોલીસની સંયુક્ત ટીમોએ વાપીમાંથી શંકાસ્પદ એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પ્રમાણે, વાપી અને ગુજરાતમાં અલગ-અલગ કેસ નોંધીને કુલ 2,778 કિલોગ્રામ શંકાસ્પદ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ જથ્થાની અંદાજિત બજાર કિંમત રૂ. 13.89 કરોડ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ મોટે ભાગે નશીલી ગોળીઓના સ્વરૂપમાં વેચાણ માટે રાખવામાં આવ્યું હતું.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીઓએ આ ગોડાઉન ભાડે રાખીને માદક પદાર્થ સંગ્રહિત કર્યો હતો.
આ રેકેટના તાર ગુજરાત પૂરતા સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ (UP) સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આ સંબંધમાં બે ગુના નોંધ્યા છે અને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓની સપ્લાય ચેઈન ક્યાં-ક્યાં ફેલાયેલી છે અને આ નેટવર્ક પાછળ કયા મોટા માફિયાઓ સંકળાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં તપાસના અંતે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.