વાપી પોલીસે નશાકારક પદાર્થો સામે મોટી કાર્યવાહી કરી છે. ડુંગરા, છીરી અને દાદરામાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને પોલીસે કુલ રૂ. 13.88 કરોડની કિંમતનો ગાંજો અને માદક ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી લેકવ્યુ રેસિડેન્સીના એક ફ્લેટમાં દરોડો પાડીને પોલીસે 243.670 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 1.21 કરોડ આંકવામાં આવી છે. ફ્લેટમાંથી પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો, જેની FSL પરીક્ષણમાં કેનાબિસના સક્રિય ઘટકો હોવાનું સાબિત થયું હતું. આ મામલે પોલીસે કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બિસ્વાલ (32, મૂળ રહે. ઓડિશા)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં આ જથ્થો લાવનાર તેના કાકા બનમાલી પ્રભાકર પાત્રાનું નામ ખુલ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. આ રેડમાં મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.21 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.
બીજા દરોડામાં વાપીના છીરી ગાલામસાલા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી 387.750 કિલોગ્રામ માદક ગોળીઓનો જથ્થો જપ્ત કરાયો હતો, જેની કિંમત રૂ. 1.93 કરોડ છે. આ કેસમાં મોહમદ અમીન મોહમદ બાસુ ખાન (46, મૂળ રહે. ઝારખંડ)ની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ માદક પદાર્થ સેલવાસના દાદરા વિસ્તારમાંથી મેળવ્યો હતો. તેના આધારે દાદરા ખાતેની એક દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાંથી 2147.35 કિલોગ્રામ માદક ગોળીઓ મળી આવી, જેની કિંમત રૂ. 10.73 કરોડ છે. આ કેસમાં પ્રદિપ ઉર્ફે મન્નુ રામતિર્થ વર્મા (28, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.
આમ, છીરી અને દાદરાના દરોડામાં મળીને કુલ 2535.10 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 12.67 કરોડ છે. આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મુખ્ય આરોપીઓ અનુરાગ ગુપ્તા (રહે. કાનપુર, ઉત્તર પ્રદેશ) અને સલમાન ઇકબાલ સિદ્દીકી (રહે. ઘાટકોપર, મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે ત્રણેય સ્થળો પરથી કુલ રૂ. 13.88 કરોડથી વધુનો પ્રતિબંધિત માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો છે. આ નશાના કારોબારના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને તેની પાછળ કયા મોટા સોર્સ સંકળાયેલા છે, તે દિશામાં તપાસ ચાલુ છે.