જામનગરમાં આવેલા વનતારા ખાતે 26થી 29 ઑક્ટોબર દરમિયાન યુરેશિયન રીજનલ એસોસિએશન ઑફ ઝૂઝ એન્ડ એક્વેરિયમ્સ (EARAZA)ની વાર્ષિક પરિષદ 2026 યોજાઈ. આ પરિષદમાં 30 દેશોની 98 સંસ્થાઓ અને ભારતના 29 પ્રાણીસંગ્રહાલયોના નિષ્ણાતોએ ભાગ લીધો. વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવી એ આ પરિષદનો મુખ્ય વિષય હતો.
પરિષદમાં વેટરનરી તબીબો, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓએ એકત્ર થઈને જ્ઞાન અને અનુભવોની આપલે કરી. વનતારાના સીઈઓ વિવાન કરાનીએ જાહેરાત કરી કે ઝૂ મેનેજમેન્ટ માટેનું ક્લાઉડ પ્લેટફોર્મ 'ANTZ' તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે મફત આપવામાં આવશે. આ પ્લેટફોર્મ ઓપન ડેટા એક્સચેન્જની સુવિધા આપે છે, જેથી સંસ્થાઓ મહત્ત્વની માહિતી એકબીજા સાથે શેર કરી શકે.
પરિષદનું ઉદ્ઘાટન ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજના પર્ફોર્મન્સથી થયું. ત્યારબાદ EARAZAના પ્રેસિડેન્ટ સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના પ્રોફેસર રમણ સુકુમાર અને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીના સભ્ય સચિવ ડૉ. વી. ક્લેમેન્ટ બેને દીપ પ્રાગટ્ય કર્યું.
સ્વેત્લાના અકુલોવાએ કહ્યું કે સંરક્ષણ રાષ્ટ્રીય સરહદો પર અટકી શકે નહીં. જ્યારે સંસ્થાઓ ડેટા, કુશળતા અને જવાબદારી વહેંચે છે, ત્યારે દરેક કાર્યક્રમ વધુ મજબૂત બને છે. આ પરિષદનો હેતુ નેટવર્કને સાચી ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો છે.
વનતારાના સીઈઓએ જણાવ્યું કે અમે અહીં માત્ર અમારું કાર્ય દર્શાવવા નથી આવ્યા, પરંતુ બીજા પાસેથી શીખવા અને સહયોગ કરવા આવ્યા છીએ. જ્યારે એક સંસ્થા પ્રગતિ કરે છે, ત્યારે તેણે અન્યને પણ આગળ વધવાની તકો ઊભી કરવી જોઈએ.
પરિષદમાં આધુનિક ટૅક્નોલૉજી અને લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ્સ પણ રજૂ કરાયા. આ પરિષદ વન્યજીવોના ભવિષ્ય માટે વૈશ્વિક સહકારની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.