નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ પહેલાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના છ છંદ વગાડવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા મુજબ, હવેથી દેશમાં યોજાનારી દરેક ઘરેલુ સીરિઝની પ્રથમ મેચ પહેલાં સત્તાવાર રીતે 'વંદે માતરમ્' વગાડવામાં આવશે. મેચ દરમિયાન મેદાન પર હાજર ખેલાડીઓ અને હજારો દર્શકોએ છ છંદ દરમિયાન ઊભા રહીને સન્માન આપ્યું હતું.
આ મેચમાં ભારતીય ટીમે અભિષેક શર્માની 82 રનની ઇનિંગની મદદથી અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
જોકે, આ પગલાં સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું, "કોઈ કારણ વગર આ બધું કરવાનો શું અર્થ છે? શું આનાથી રોજગારી મળશે? શું ભારતીય ટીમ વધુ મજબૂત બનશે? શું આ આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવામાં મદદ કરશે, જ્યાં આપણે પાછળ છીએ? નિકાસ ઘટી રહી છે અને દેવું વધી રહ્યું છે. ગંભીર સમસ્યાઓ મોં વકાસીને ઊભી છે. શું આનાથી તેનું સમાધાન થશે? તેઓ ફક્ત એક નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
આ મુદ્દે કાયદાકીય સંદર્ભ પણ મહત્વનો છે. 1937માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 'વંદે માતરમ્'ના ફક્ત પ્રથમ બે છંદને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યા હતા. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ પાર્ટીના કાર્યક્રમોમાં માત્ર પ્રથમ બે છંદ રાખવાનો ઠરાવ પસાર કરાયો હતો. 1950માં બંધારણ સભાએ તેને સત્તાવાર રીતે 'રાષ્ટ્રીય ગીત' તરીકે માન્યતા આપી હતી.
ગૃહ મંત્રાલયે 6 ફેબ્રુઆરીએ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે જારી કરેલી માર્ગદર્શિકામાં 3 મિનિટ 10 સેકન્ડનું સત્તાવાર રેન્ડિશન નક્કી કર્યું છે અને ગીત વાગતી વખતે સૌને સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોની ઉપસ્થિતિવાળા ઔપચારિક સરકારી કાર્યક્રમો, પરેડમાં રાષ્ટ્રધ્વજ લાવવામાં આવે ત્યારે અને સમાન અવસરો પર તમામ છ છંદ વગાડવાની મંજૂરી છે.