સત્ય. સાહસ. સંકલ્પ.

વંદે ભારત ટ્રેન 463 કિલોમીટર બ્રેક વગર દોડી, રેલવે કર્મચારીઓની બેદરકારી સામે આવી

વંદે ભારત ટ્રેન 463 કિલોમીટર બ્રેક વગર દોડી, રેલવે કર્મચારીઓની બેદરકારી સામે આવી

દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. 24 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેનની ખાલી ચેર કાર રેકને માલગાડીના એન્જિન દ્વારા લઈ જવાની સૂચના અપાઈ હતી. નિયમ મુજબ રેકની બ્રેક સિસ્ટમને એન્જિનની બ્રેક સિસ્ટમ સાથે જોડવાની હોય છે, પરંતુ જવાબદાર કર્મચારીઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

મુસાફરી દરમિયાન લોકોપાયલટને બ્રેક સિસ્ટમમાં ખામી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી લોકોપાયલટે રાંચી સ્ટેશન પર અધિકારીઓને ફરિયાદ કરી હતી. જો કે લોકોપાયલટની રજૂઆત છતાં ટ્રેનને આગળ જવા દેવામાં આવી હતી. મુરી સ્ટેશન પર બીજા લોકોપાયલટે ટ્રેન સંભાળી, તેમણે પણ બ્રેક સંબંધિત જાણકારી કંટ્રોલ રૂમને આપી હતી.

તપાસ કરતાં કોચની બ્રેક સિસ્ટમ એન્જિન સાથે જોડાઈ ન હોવાનું સામે આવ્યું છે. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન 463 કિલોમીટર કાપી ચૂકી હતી. મહત્વનું છે કે આ ટ્રેન ખાલી હતી. જો કે ખામીયુક્ત બ્રેક સિસ્ટમવાળી હાઈસ્પીડ ટ્રેન રેલવે કર્મચારીઓ અને અન્ય ટ્રેનના મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકતી હતી. સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

આ ગંભીર બેદરકારીને પગલે દક્ષિણ-પૂર્વ રેલવે વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે.