સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં વંદે ભારત પર ફરી પથ્થરમારો, 10 દિવસમાં બીજી ઘટના

સુરતમાં વંદે ભારત પર ફરી પથ્થરમારો, 10 દિવસમાં બીજી ઘટના

ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) પર ગઈકાલે (17 નવેમ્બર) સાંજે સુરત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનામાં ટ્રેનના C4 કોચનો બહારનો કાચ ક્રેક થયો છે, જ્યારે અંદરનો કાચ સુરક્ષિત રહ્યો છે. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

વેસ્ટર્ન રેલવેના જાહેર જનસંપર્ક અધિકારી (PRO) અનુભવ સક્સેનાએ જણાવ્યું કે, સાંજે 5:23 વાગ્યે આ ઘટના બની હતી. ટ્રેનના C4 કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કાચ પર જોરદાર અવાજ સાથે કંઈક વાગવાની જાણ કરી હતી. મુસાફરની જાણકારી મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવી ન હતી. આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછમાં પણ કોઈ અસામાજિક તત્વ જોવા મળ્યું નથી. આથી ઉધના રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 8 નવેમ્બરે અમરેલીમાં સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેન પર લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે તે ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. આમ, છેલ્લા 10 દિવસમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ બીજી ઘટના છે. વધુમાં, છેલ્લા ચાર મહિનામાં સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ત્રણ ઘટનાઓ બની છે, જેમાં ઉદયપુર-સુરત વંદે ભારત પર પથ્થરમારો અને મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારાનો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર દ્વારા આવી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.