અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેનને લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. આ હુમલાના કારણે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નથી.
ઘટના બાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળ રવાના કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઠી પોલીસ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે.
ધોળા RPFના ગોલકરે જણાવ્યું હતું કે, “વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અમારી ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મુસાફરોએ પણ પથ્થર ફેંકનારને જોયા નથી, પરંતુ કાચ ફૂટ્યો છે. હાલ મળેલી માહિતીના આધારે લાઠી અને ખીજડીયા વચ્ચે સઘન તપાસ ચાલી રહી છે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. ગત 26 ફેબ્રુઆરી 2026ના સુરતથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે પથ્થરમારો થયો હતો, જેમાં ટ્રેનની બારીનો કાચ તૂટી ગયો હતો. આ ઉપરાંત, ડિસેમ્બર 2023માં રાજકોટના બિલેશ્વર નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં C-4 અને C-5 કોચની બે બારીના કાચ તૂટી ગયા હતા. તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એ જ ટ્રેનમાં અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા.