સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડના મોરદહાડમાં સ્મશાન સુધી રસ્તો નહોતો, ગ્રામજનોએ ફાળો ઉઘરાવી સ્વખર્ચે બનાવ્યો

વલસાડના મોરદહાડમાં સ્મશાન સુધી રસ્તો નહોતો, ગ્રામજનોએ ફાળો ઉઘરાવી સ્વખર્ચે બનાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોરદહાડ ગામના પાતાળ ફળિયામાં સ્મશાનભૂમિ સુધી જવા માટે પાકો કે કાચો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ સ્વખર્ચે રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે. તંત્રની બેદરકારીથી કંટાળી ગ્રામજનોએ ફાળો ઉઘરાવીને જેસીબી મશીન ભાડે રાખીને રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે.

ગામલોકોના જણાવ્યા મુજબ, ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે શોકમગ્ન પરિવારજનો અને સગા-સંબંધીઓએ મૃતદેહને કાચા રસ્તા, ખાડા-ટેકરા અને ઝાડી-ઝાંખરામાંથી પાર કરીને સ્મશાન સુધી લઈ જવો પડે છે. ચોમાસામાં કીચડ અને પાણી ભરાવાને કારણે અંતિમયાત્રા કાઢવી વધુ મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યા અંગે ગ્રામજનોએ ગ્રામ પંચાયત, વહીવટી તંત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના નેતાઓને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆતો કરી હતી. માત્ર સ્મશાનનો રસ્તો જ નહીં, પણ પીવાના પાણી માટે બોર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે પણ માંગ કરવામાં આવી હતી. જોકે, સત્તાધીશો તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

આખરે ગ્રામજનોએ જાતે જ ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું. ગામના યુવાનો અને વડીલોએ મળીને અંદાજે રૂ. 9 હજારથી વધુનો લોકફાળો ભેગો કર્યો અને જેસીબી મશીન ભાડે મગાવીને સ્મશાનભૂમિ સુધીનો રસ્તો સાફ કરીને બનાવવાની કામગીરી શરૂ કરી. આ કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ શ્રમદાન કરીને જોડાઈ હતી.

ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "અમારા ગામમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે અશ્રુભર્યા નેત્રે અંતિમયાત્રા કાઢવાની હોય છે, પરંતુ રસ્તાના અભાવે મૃતદેહને ઊંચકીને લઈ જવામાં નવનેજા પાણી આવી જાય છે. સરકાર કરોડો રૂપિયાના વિકાસના દાવા કરે છે, પરંતુ અમારા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સાદી સ્મશાનની વાટ પણ નથી મળતી. તંત્રની બેદરકારીને કારણે અમારે જાતે પૈસા ભેગા કરીને રસ્તો બનાવવો પડે, તેનાથી શરમજનક બીજું શું હોઈ શકે?"

આ ઘટનાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.