સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડ: સ્વનિર્ભર શાળાઓનું સરકારને અલ્ટીમેટમ, 4 માંગણીઓ ન સંતોષાય તો આંદોલન

વલસાડ: સ્વનિર્ભર શાળાઓનું સરકારને અલ્ટીમેટમ, 4 માંગણીઓ ન સંતોષાય તો આંદોલન

વલસાડના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ઍસોસિએશન (સ્વનિર્ભર શાળા સંગઠન) દ્વારા સ્વનિર્ભર શાળાઓની વિવિધ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

આ માંગણીઓમાં સૌપ્રથમ FRC (ફી રેગ્યુલેટરી કમિટી)ની પ્રક્રિયા સરળ બનાવવાની માગ છે. શાળાની મંજૂરી ફીમાં 10 ટકા કે તેથી ઓછો વધારો થયો હોય તો તેવી શાળાઓને દરખાસ્ત અથવા એફિડેવિટની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી ફી મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

બીજી માંગણી RTE (શિક્ષણનો અધિકાર) હેઠળના વિદ્યાર્થીઓની ફી ચૂકવણીનો પ્રશ્ન ઉકેલવાની છે. હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ, પાત્ર શાળાઓને FRC દ્વારા મંજૂર ફી અથવા સંબંધિત વિસ્તારમાં વિદ્યાર્થી પાછળ સરકાર દ્વારા થતાં ખર્ચ પૈકી યોગ્ય રકમ ચૂકવવામાં આવે તેવી માગ કરાઈ છે.

ત્રીજી માંગણી સ્વનિર્ભર શાળાઓની સ્વાયતતા જાળવવા અને કર્મચારીઓની નિમણૂક તથા છૂટા કરવાની બાબતમાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવાની છે. ચોથી માંગણી રોજબરોજના સરકારી પરિપત્રોના વહીવટી ભારમાંથી મુક્તિ આપવા તમામ જરૂરી માહિતી માટે કોમન પોર્ટલ બનાવવાની તથા સ્વનિર્ભર સ્કૂલોને લાગુ પડતાં પરિપત્રો અલગથી જાહેર કરવાની છે.

ગુજરાતમાં 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 7 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. આ માંગણીઓ ન સંતોષાય તો આંદોલનાત્મક પગલાં ભરવાની ચીમકી સંગઠને ઉચ્ચારી છે. જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે રીતે સરકાર સત્વરે નિર્ણય લે તેવી અપીલ પણ કરવામાં આવી છે.