વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકર જાધવે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ઓનલાઈન કામગીરીનું ભારણ વધારે હોવાથી તેઓ સતત તણાવમાં હતા.
આ ઘટના ઘરે બની હતી. આચાર્યે સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઓનલાઈન કામનો બોજો અને સતત તણાવ સહન ન થતાં તેમણે આ પગલું ભર્યું. નોટમાં તેમણે લખ્યું છે: “ઓનલાઈનની વધુ પડતી કામગીરીથી સતત તણાવમાં રહીને દિવસો પસાર કરવાનું સહન ન થતાં મેં આ કર્યું. સતત માનસિક તણાવ સહન કરે તો કેટલો કરવો? એટલે મેં જાતે નિર્ણય કર્યો છે. એમાં કોઈનો વાંક નથી, નથી મારા શિક્ષકોનો કે નથી મારા પરિવારનો વાંક. વીપુલ, બધા પર ધ્યાન આપજે. પી.એમ. કરશો નહીં. કાંતા, બાળકો જ્યાં ભણે છે ત્યાં જ ભણાવજે. મને માફ કરજે. એક પછી એક કામગીરીનું ભારણ સહન ન થયું. શાળાનું કામ, ચૂંટણીનું કામ. સતત હેરાન થવાથી મેં આવો નિર્ણય કર્યો છે.”
ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કપરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શિક્ષકો પર ઓનલાઈન કામગીરી, ડેટા એન્ટ્રી, રિપોર્ટિંગ અને ચૂંટણી ફરજોનું ભારણ વધતાં માનસિક તણાવની સમસ્યા સામે આવી છે. આ ઘટના શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ચિંતા દર્શાવે છે.