વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર શુક્રવારે (૨૫ સપ્ટેમ્બર) સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં વલસાડના મોટી ચણવઇ ગામના એક પરિવારની સાસુ અને વહુના મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, પૂરઝડપે આવી રહેલા એક કન્ટેઇનરે તેમની મોપેડને ટક્કર મારી હતી.
મળતી માહિતી અનુસાર, મોટી ચણવઇ ગામે રહેતા ચેતનાબહેન રાકેશભાઈ મૈસુરીયા (ઉં.વ. ૩૫) અને તેમના સાસુ શારદાબહેન રમણભાઈ મૈસુરીયા (ઉં.વ. ૬૫) શુક્રવારે પારડી બજારમાં ખરીદી કરવા માટે મોપેડ પર ઘરેથી નીકળ્યા હતા. ખરીદી પૂરી કરીને સાંજે બંને પારડીથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે સમયે પારડી હાઇવે પર વલ્લભ આશ્રમ પાસે પૂરઝડપે દોડી રહેલા કન્ટેઇનરે તેમની મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચેતનાબહેન અને શારદાબહેનને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માત બાદ કન્ટેઇનર ચાલક વાહન લઈને ભાગી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ પીછો કરીને અતુલ હાઇવે પર કન્ટેઇનરને પકડી પાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે કન્ટેઇનર ચાલકને પકડી પાડ્યો છે અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સાસુ-વહુના અકાળ મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.