સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડ: ધરમપુરના માજી તા.પં. સભ્ય કલ્પેશ પટેલ દારૂ સાથે ઝડપાયા, 3ની ધરપકડ

વલસાડ: ધરમપુરના માજી તા.પં. સભ્ય કલ્પેશ પટેલ દારૂ સાથે ઝડપાયા, 3ની ધરપકડ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અને માજી તાલુકા પંચાયત સભ્યને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા છે. પારડીની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય સુનિતાબેન પટેલના પતિ અને માજી તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ-01-CB-3771)માં બે મિત્રો સાથે દમણ ગયા હતા. દમણથી પરત ધરમપુર તરફ જતી વેળા પારડીની કલસર ચેકપોસ્ટ પર પોલીસે શંકાના આધારે કારને અટકાવી હતી. તલાશી દરમિયાન કારમાંથી દારૂની 3 બોટલ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કલ્પેશ પટેલ સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો નશાની હાલતમાં હતા. પોલીસે દારૂ અને કાર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં કલ્પેશ અમૃતભાઈ પટેલ (રહે. મોટી ઢોલડુંગરી, ધરમપુર - માજી તા.પં. સભ્ય), હેમંતકુમાર પટેલ (કારચાલક) અને કુલદીપસિંહ પઢિયારનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આરોપી કલ્પેશ પટેલે અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. દારૂબંધીના રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.