સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડના કપરાડામાં વીજપોલ ઉભા કરતી વખતે 5 મજૂરોને કરંટ, બેના મોત

વલસાડના કપરાડામાં વીજપોલ ઉભા કરતી વખતે 5 મજૂરોને કરંટ, બેના મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે ગુરુવારે (24 સપ્ટેમ્બર) ડીજીવીસીએલ (DGVCL)ના વીજપોલ ઉભા કરવાની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. વીજપોલ નજીકથી પસાર થતી હાઈટેન્શન લાઈન સાથે અથડાતાં પાંચ મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડા તાલુકાના વાવર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા મજૂરો મારફતે વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન વીજપોલ નજીકથી પસાર થતી હાઈટેન્શન લાઈન સાથે અથડાતાં જ આ અકસ્માત થયો હતો. કરંટ લાગતાં કામ કરી રહેલા પાંચેય મજૂરો જમીન પર ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો દોડી ગયા હતા. બાદમાં કપરાડા પોલીસના અધિકારીઓ અને વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ ગંભીર અકસ્માતમાં સુરેશ કુસનાભાઈ પવાર (ઉં.વ. 45, રહે. વાવર-રીઠમાળ, કપરાડા) અને સાગર આંબાદાસ સરનાયક (ઉં.વ. 30, રહે. ઘરટાપાડા, વાવર, કપરાડા) નામના બે મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ મજૂરો સુભાષ મનુભાઈ દોડકા, ભગવાન લક્ષ્મણભાઈ લાંડા અને હેમેશ ભાવુરામ સરનાયકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. વીજપોલ ઉભા કરવાની કામગીરી દરમિયાન શટડાઉન લેવામાં આવ્યું હતું કે કેમ? તેમજ મજૂરોની સલામતી માટે સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા કે કેમ? તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ ગંભીર મામલે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.