સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડ: ધરમપુર હોસ્ટેલ હુમલામાં 8 અટકાયત, 16 સામે ફરિયાદ

વલસાડ: ધરમપુર હોસ્ટેલ હુમલામાં 8 અટકાયત, 16 સામે ફરિયાદ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2થી 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મટકી ફોડવાના મામલે શરૂઆતમાં વિવાદ થયો હતો. બાદમાં બંને જૂથો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જોકે, મોડી રાત્રે બહારથી આવેલા કેટલાક લોકોએ બુકાની પહેરીને હોસ્ટેલમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી.

અચાનક થયેલા હુમલાથી હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલી યોજીને ધરમપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને હોસ્ટેલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

આ મામલે ધરમપુર પોલીસે કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધી છે અને અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરી છે. હુમલાખોરો કોણ હતા અને તેમને હોસ્ટેલમાં કોણે બોલાવ્યા હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.