વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારે (22 સપ્ટેમ્બર) પાર નદીમાં એક બોટ પલટી જવાની ઘટના બની હતી. અગિયારસના પવિત્ર દિવસે માછીમાર સમાજના લોકો, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો, ચાર બોટ દ્વારા નદીમાં પૂજા કરવા ગયા હતા.
મળતી માહિતી અનુસાર, પૂજા કરીને પરત ફરતી વખતે એક બોટ અચાનક પાણીમાં ઊંધી વળી ગઈ. બોટમાં સવાર લોકોમાં અમુલ પ્રસાદ ગૌતમ, નાનુભાઈ, છગનભાઈ ટંડેલ, રેખાબહેન નાનુભાઈ ટંડેલ, અજય નાનુભાઈ ટંડેલ, ધનુબહેન ભરતભાઈ ટંડેલ અને દોઢ વર્ષીય મોક્ષાર્થ અજય ટંડેલ હતા. બોટ પલટતાં અફરાતફરી મચી ગઈ હતી.
મહિલાઓ સહિત છ લોકો તરીને નદી કિનારે પહોંચી જતાં તેમનો જીવ બચી ગયો હતો. જો કે, દોઢ વર્ષીય બાળક મોક્ષાર્થ અજય ટંડેલ પાણીમાં ડૂબી જતાં તે ગુમ થયો હતો.
ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ચંદ્રપૂરના તરવૈયાઓ અને સ્થાનિક માછીમારો દ્વારા ગુમ થયેલા બાળકની નદીમાં શોધખોળ ચાલુ છે. બાળક ગુમ થતાં પરિવારજનો ચિંતામાં છે.
ઉલ્લેખનીય છે કે, દર અગિયારસના દિવસે માછી સમાજના લોકો કૃષ્ણ ભગવાનની મૂર્તિને નદીમાં આસ્થાપૂર્વક સ્નાન કરાવવા લઈ જાય છે.